વોર્ડ નં.૩, ૧૧, ૧૨, ૧૭ અને ૧૮માં ક્રોસ વોટીંગ થયાની ભીતિ
રાજકોટ મહાનગરપાલિકાની ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ગઈકાલે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં ચૂંટણી પરિણામો આવી જશે તેવું હાલ દેખાઈ રહ્યું છે. અંદર ખાને ભાજપ અને કોંગ્રેસ બન્નેને શહેરના અલગ અલગ પાંચ વોર્ડમાં પેનલ તૂટવાનો ભય સતાવી રહ્યો છે. તો અમુક વોર્ડમાં હારજીતનું પ્રમાણ ખુબજ નજીવું રહે તેવી શકયતા હાલ વર્તાઈ રહી છે.
ભાજપના સૂત્રો એવી માની રહ્યાં છે કે, વોર્ડ નં.૧, વોર્ડ નં.૨, વોર્ડ નં.૪, વોર્ડ નં.૫, વોર્ડ નં.૬, વોર્ડ ૭, વોર્ડ નં.૮, વોર્ડ નં.૯, વોર્ડ નં.૧૦ અને વોર્ડ નં.૧૩ તથા ૧૪માં અમારા ઉમેદવારો આખી પેનલ સાથે વિજેતા બનશે તો સામા પક્ષે કોંગ્રેસ પણ વોર્ડ નં.૧૫, ૧૭ અને ૧૮માં પેનલ સાથે જીતે તે માટે આશાવાદી છે પરંતુ બન્ને પક્ષોને અંદર ખાને ક્રોસ વોટીંગની પણ દહેશત સતાવી રહી છે. સૌથી વધુ રોમાંચકતા આ વખતે વોર્ડ નં.૩માં જોવા મળી રહી છે. જેમાં પેનલ તૂટવાનો ભય બન્ને પક્ષોને સતાવી રહ્યો છે. આવી જ સ્થિતિ વોર્ડ નં.૧૧માં પણ છે. જ્યારે વોર્ડ નં.૧૨માં પણ કાંટે કી ટક્કર હોય તેવું લાગી રહ્યું છે. આ વોર્ડમાં પણ પેનલ તૂટવાનો ભય સતાવી રહ્યો છે. વોર્ડ નં.૧૭માં પણ કોઈ પક્ષની આખી પેનલ ન ચૂંટાય તેવું હાલ દેખાઈ રહ્યું છે તો વોર્ડ નં.૧૮માં કોંગ્રેસ મજબુત ચોક્કસ છે પરંતુ અંદરખાને નેતાને પેનલ તૂટવાનો ભય સતાવી રહ્યો છે. મહાપાલિકાની ગત ચૂંટણીમાં પણ પેનલ તૂટવાની અનેક ઘટના બની હતી. આ વખતે આ સીનારીયો યથાવત રહે તેવું લાગી રહ્યું છે.