ભરૂચમાં ઉજવાશે શુકલતીર્થ ઉત્સવ: જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષપદે શુકલતીર્થ ઉત્સવ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ. સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી 12 અને 13 ફેબ્રુઆરી 2025 એ એમ બે દિવસીય શુક્લતિર્થ ઉત્સવના આયોજન માટે આજરોજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે બહોળી નામના ધરાવે છે.
ત્યારે આગામી સમયમાં ભરૂચ ખાતે શુકલતીર્થ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સુચારું આયોજન કરવા મિંટીંગનું આયોજન કરાયું હતું. શુકલતીર્થ ઉત્સવ પૂર્વે બેઠક યોજીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ગતવર્ષે કાર્યક્રમ સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની નોંધ લઈ આ વર્ષે પણ વધુ સારુ અસરકારક આયોજન માટે અધિકારીઓ પાસે પ્રતિભાવો મેળવ્યા હતા. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સર્વગ્રાહી સમિક્ષા કરી શુક્લતીર્થ ઉત્સવ ભરૂચના લોકો માટે યાદગાર બની રહે તેવા પ્રયત્નો તંત્ર કરે તેવી હાંકલ કરી હતી. આ મિંટીંગમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ તથા અમલીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.