ભરૂચ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ડેરી વિકાસ માટેના કાર્યક્રમને પ્રાધાન્ય આપવા, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસની યોજનાને સાંકળી વધુને વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ માટે વિવિધ સૂચનો કર્યો હતા. જિલ્લામાં સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ અન્વયે કુપોષણ નાબૂદી તેમજ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા જાળવણી તરફના કાર્યક્રમોને વધુને વધુ વેગવાન બનાવવા તેમજ સબકા સાથ સબકા વિકાસના સૂત્રને ચરિતાર્થ કરવા માટે તમામ વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવુ ખૂબ જ જરૂરી છે.
ન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના તમામ નાગરિકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને આપી તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં, તેમણે કહ્યું કે, વિકાસકામોના સુદ્રઢ અમલીકરણ માટે આ બેઠક અતિ મહત્વપૂર્ણ છે ત્યારે જન પ્રતિનિધિઓઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને અધિકારીઓ પરસ્પર સંકલન રાખી બનતી ત્વરાએ નિવારણ લાવે તેમજ પ્રગતિ હેઠળના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની તલસ્પર્શી વિગતો લેખિત કે મૌખિક સ્વરૂપે જરૂરિયાતમંદ તમામ લોકો સુધી પહોંચે એ માટે તમામ વિભાગો સક્રિયતા દાખવે એમ ભારપૂર્વક જણાવ્યું હતું. શ્રી વસાવાએ સરકારી સંસાધનોનો અને મશીનરીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જનજન સુધી સુખાકારીના કામો સુચારૂ રીતે થાય તે બાબતે અધિકારીઓને સૂચન સહ માર્ગદર્શન કર્યું હતું.
દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શોકપીઠ,સેગ્રીગેશન શેડ, મધ્યાહન ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ, સોઈલ હેલ્થ કાર્ડ, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક, સાંસદ આદર્શ ગ્રામ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, ગ્રામીણ કૌશલ્ય યોજના, ઈ-શ્રમ, જળસંચય યોજના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલે બેઠકનું સંચાલન કર્યું હતું, જે સંદર્ભે સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દરેક યોજનાઓમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. બેઠકમાં ધારાસભ્ય અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, તા. પંચાયતના પ્રમુખો, વિવિધ સમિતિઓના સદસ્યો તેમજ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.