ભરૂચ: જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજનના સભાખંડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના આદિજાતિ વિકાસ મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતા. ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત સદર બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
પ્રારંભે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. 2024-25ના વર્ષ માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અન્વયે તાલુકાવાર આયોજનના કામની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ અઘ્યક્ષસ્થાને થી રજુ થનારી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 હેઠળ ભરૂચ જિલ્લામાં વર્ષ 2024-25નાં આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના નવ તાલુકાઓમાં આદિજાતી વસ્તીના પ્રમાણમાં ગુજરાત પેટર્ન 96 ટકામાં રૂા. 1867.51 જોગવાઈ સામે રૂપિયા 1924.63 લાખના કુલ 526 કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાત પેટર્ન 4 ટકામાં રૂા. 302.27ની જોગવાઈ સામે 313.13 લાખના 208 કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે. આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેપ્સ ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. સાથે જુના કામો પૂર્ણ ન થવાના કારણો જાણી આવા કામો સત્વરે પૂર્ણ કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા,ધારાસભ્ય સર્વેઓ અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડી. કે સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર એન. આર.ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક, તાલુકા પંચાયતના પ્રમુખ સર્વેઓ સહીત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.