- વિશ્ર્વના ઈતિહાસમાં એક વિરલ અવસર
- બી.એ.પી.એસ.ના એકલાખ નિસ્વાર્થ કાર્યકરોનો યોજાયો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ
આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેવા, સમર્પણ અને ગુરુભક્તિથી છલકાઈ રહેલાં એક લાખ જેટલાં કાર્યકરોનું રોમાંચક પ્રસ્તુતિઓથી અદભુત અભિવાદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં બી.એ.પી.એસ. ની કાર્યકર પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય કાર્યવાહક સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ તેઓના સંબોધનમાં મહંત સ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે તેના વિષે વાત કરી હતી.
ત્યારબાદ કલાત્મક વિશિષ્ટ રથમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું ત્યારે અદભુત માહોલ રચાયો હતો. સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલાં મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિમાં – જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્પુરુષનો સંસ્પર્શ સૌ કાર્યકરો પામતા ગયા તેમ તેમ વિખરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી – આવી અર્થપૂર્ણ અને આકર્ષક રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
955 બાળ-યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી આ વિશિષ્ટ પ્રસ્તુતિ માટે 550 પુષ્પ પાંખડીઓ અને 225 મણકા બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો.
ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય બાદ કાર્યકરોની નિસ્વાર્થ સેવાભાવનાનો જયજયકાર કરતા આ કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
બી.એ.પી.એસ. ની કાર્યકર શક્તિ માનવજાતના હિત માટે છે. બી.એ.પી.એસ ના કાર્યકરો વિશ્વમાં
ભારતના પ્રભાવને ઉજાગર કરી રહ્યા છે. બી.એ.પી.એસ ના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક છે. પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો મારો નાતો મારા જીવનનો એક અભિન્ન હિસ્સો છે. તાજેતરમાં બી.એ.પી.એસ. ના અબુ ધાબીમાં નિર્મિત મંદિરે વિશ્વને ભારતની આધ્યાત્મિક શક્તિના દર્શન કરાવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના પારિવારિક શાંતિ માટે ઘરસભા જેવા અભિયાનોને આપણે આગળ ધપાવવાના છે.
પ્રથમ સોપાન : બીજ – કાર્યકર પ્રવૃત્તિનો આરંભ
છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. બી. એ. પી. એસ. ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશ: તેઓ અંકુરિત થયા. ત્યારબાદ બી.એ.પી.એસ. ના આંતરરાષ્ટ્રીય સંયોજક ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
દ્વિતીય સોપાન: વટવૃક્ષ – મૂલ્યનિષ્ઠ કાર્યકરદળ
એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થઈ હતી.
વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા બી. એ. પી. એસ. ના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.
તૃત્તિય સોપાન : ફળ – પવિત્ર, શાંતિમય વિશ્ર્વ
આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે.
બીએપીએસત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. મહંત સ્વામી મહારાજને પુષ્પહારોથી વધાવ્યા બાદ ઉત્સવની પૂર્ણાહુતિમાં મહાઆરતી કરવામાં આવી હતી.
બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા ‘ કાર્યકરાણાં અભિવંદનમ્, સમર્પિતાનામ્ અભિવંદનમ્’ શબ્દો દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં ફાયરવર્ક્સ અને રિસ્ટ બેન્ડસ્ સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવની જય’ ના જયજયકાર સાથે આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની સૌએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.