અબતક, નવી દિલ્હી
દૂધ, દહીં, છાશ કે લસ્સી…. આ બધુ જીવન જરૂરિયાત વસ્તુમાં આવતું હોવાથી તેની પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગતો નથી. પરંતુ ફ્લેવરડ દૂધ ઉપર 12% જી.એસ.ટી વસૂલવામાં આવે છે. એટલે કે જીએસટી માળખા હેઠળ ફ્લેવરડ દૂધ એ દૂધ નથી. પરંતુ ફ્લેવરડ લસ્સીએ લસ્સી છે. કારણ કે ફ્લેવરડ દૂધની જેમ ફ્લેવરડ લસ્સી પર જીએસટી વસુલાતો નથી. ફ્લેવરડ લસ્સીને પણ લસ્સી જ માનવામાં આવે છે, જ્યારે ફ્લેવરડ દૂધને દૂધ મનાતું નથી. આથી જેઓ ફ્લેવરડ દૂધ ખરીદે છે અને પીવે છે તેમને તેના પર જીએસટી ચૂકવવો પડે છે.
આ અંગે કોર્ટમાં એક અરજી થઈ હતી અને સ્પષ્ટતા માંગવામાં આવી હતી કે ફ્લેવરડ લસ્સી પર જીએસટી વસૂલાતો નથી તો ફ્લેવરડ દૂધ પર જીએસટી કેમ વસૂલાય છે…?? ફ્લેવરડ દૂધ અને ફ્લેવરડ લસ્સી પર અલગ અલગ ટેક્સ ટ્રીટમેન્ટને કારણે ખાદ્ય કંપનીઓ અને દૂધ સહકારી સંસ્થાઓ વચ્ચે મૂંઝવણ ઉભી થઈ છે. જેના કારણે ભવિષ્યમાં ખેડૂતોને ચૂકવણી પર પણ અસર પડી શકે છે. જો કે અંગે ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સની વિવિધ બેન્ચ દ્વારા એ ચુકાદો આપવામાં આવ્યો છે કે લસ્સી એ લસ્સી જ છે. પણ દૂધ અને ફ્લેવરડ દૂધ અલગ અલગ છે. આથી ફ્લેવરડ લસ્સી પર સામાન્ય લસ્સીની જેમ જ ટેક્સ લાગુ કરી ન શકાય.
અહેવાલ મુજબ ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાં 4 અગાઉના ચુકાદાઓમાં સ્વાદવાળા દૂધ પર 12 ટકા જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ની વાત કરવામાં આવી છે. અગ્રણી દૂધ સહકારી સાથે એક વરિષ્ઠ કાર્યપાલક કહે છે કે જો દૂધ અને લસ્સી ભાઈ-બહેન છે તો ફ્લેવરડ દૂધ પર પણ જીએસટી લગાવવામાં ન આવે.