કોર્પોરેશનની ધુતરાષ્ટ્રની નીતિ સામે સવાલ ઉઠાવતા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત
શહેરના અનેક વિસ્તારમાં ખૂલ્લેઆમ ચાલતા અનઅધિકૃત બાંધકામો સામે ધૃતરાષ્ટ્ર બનતી મહાપાલીકા જાણે વેપારીઓના ઓટલા છાપરા તોડવાનો જ પગાર લેતી હોય તેમ નિયમો કચડીને ઉભા થતા બાંધકામ સામે આંખો મીચી લીધી છે. આવું જ એક જબરદસ્ત કૌભાંડ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે જાહેર કર્યું છે. ચાર વર્ષ પહેલા મેયરના વોર્ડમાં ખોટા બાંધકામના કારણે આર્કિટેકટનું લાયસન્સ રદ કરાયું એ જ ઈમારતમાં ત્રણ ગણા એટલે કે ત્રણ માળના બાંધકામ ઉભા થઈ જતા અને ટીપી શાખાએ આંખો મીચી લેતા મોટો વહીવટ થઈ ગયાની સ્ફોટક માહિતી જાહેર કરતા મનપા તંત્રનો અસલી ચહેરો ખૂલ્લો પડયો છે.
વોર્ડ નં.૧૪ના મુખ્ય અને શહેરના સૌથી મોઘા રોડ પેલેસ રોડના ખૂણે ગુંદાવાડી હોસ્પિટલ બાજુમાં જ ૨ વર્ષથી સરેઆમ છતા ગુપચુપ જુના બિલ્ડીંગની જગ્યાએ રીનોવેશનના નામે નવા ત્રણ માળ ખડકાઈ ગયા છે. ૪ વર્ષ પહેલા એક માળનો ગેરકાયદે પ્લાન મૂકવા બદલ તેના આર્કિટેકટ સાગર ભાલોડીયાનું લાયસન્સ મનપાએ રદ કરી નાખ્યું હતુ તે બાદ પ્લાન મૂકયા વગર એકના બદલે ત્રણ ત્રણ માળ ખડકતા અને મોતીવાલા હોસ્પિટલને ભાડે પણ આપી દેવતા ત્રણ માળના બહુમાળી કૌભાંડ અંગે ઉંડી તપાસ કરી આક્રા પગલાની માંગણી મહેશ રાજપુતે કરી છે.
દર મંગળવારે વન વિક વન રોડના પકડા નામથી જુદા જુદા ઝોન અને વોર્ડમાં પાર્કિંગ માર્જીનના દબાણો તોડવા ડીમોલીશન કરવામાં આવે છે. પણ લાંબા સમયથી મુખ્ય અને કિમંતી રાજમાર્ગો પર ખડકાતા ગેરકાયદે બાંધકામો ટીપી શાખાના ધ્યાને આવતા ન હોય માત્ર ને માત્ર શો કરવા માટે અને નાના લોકોને ડરાવવા જ આવી કામગીરી થતી હોવાની છાપ ઉઠી છે. આવા જ વધુ એક ગેરકાયદેસર અને લાખો કરોડોની કિંમતના વધુએક અનઅધિકૃત બાંધકામનો પર્દાફાશ રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે કર્યો છે.
રાજકોટના ગેરકાયદેસર બાંધકામો રોકવા અને કાયદેસરના મંજૂર કરવા એ ટીપી શાખાની મુખ્ય કામગીરી છે. પણ નાના મોટા પ્લાન પાસ કરવા અને કંપલીશન આપવાનું કામ મફતમાં નહી જ કરવાની પધ્ધતિ મનપામાં વર્ષોથી છે. એટલે જ રાજકોટમાં સુચિત બાંધકામોનું દુષણ કદાચ પૂરા ગુજરાતમાં વધુ છે.
આવા ગેરકાયદેસર બાંધકામને ટીપી શાખાનું જ છત્ર હોય હવે મોટા માથાઓને સરખુ પડી ગયું છે. હાલ આવા અનેક બાંધકામ પૈકી મેયરના વોર્ડ નં.૧૪માં આવેલ કદાચ શહેરના સૌથી મોંઘી જમીનવાળા વિસ્તારમાં આવતા પેલેસ રોડપર નવા બાંધકામ કૌભાંડે આકાર લીધો છે. પેલેસ રોડના છેડે ગુંદાવાડી હોસ્પિટલ બાજુમાં જ એક બિલ્ડીંગ રીનોવેશનના નામે ખડકાઈને પૂ થવા આવ્યું છે. વર્ષો જુના આ બિલ્ડીંગમાં બે વર્ષથી ઉપરના ભાગે ત્રણ માળ ખડકાયા છે.
આ બાંધકામનો પ્લાન ૪ વર્ષ પહેલા ૨૦૧૪માં પૂર્વ વિવાદાસ્પદ અને પૂર્વ ટીપીઓએ જેનું લાયસન્સ રદ કર્યું હતુ એ આર્કિટેકટ ગ્રાઉન્ડ ફલોરની દુકાનો ઉપર ત્રણ માળ ખડકાઈ ગયા છે. અને આગળ નિયમ મુજબ ૧૫ ફૂટનું માર્જીન પણ છોડવામાં આવ્યું નથી. તો ઉપરનાં માળે મોતીવાલા નામની હોસ્પિટલનું બોર્ડ પણ લાગી ગયું છે. આ રીતે માર્જીનની જગ્યાઓ છોડવામાં ન આવતી હોવાથી ટ્રાફીકની સમસ્યાઓ પણ વધી રહી છે. અને પાર્કિંગની જગ્યાઓ ઘટી રહી છે. જયારે કમિશ્નર ટ્રાફીકને પ્રાધાન્ય આપતા હોય તો પાર્કિંગની જગ્યા રાખ્યા વગર ગેરકાયદેસર બિલ્ડીંગો બાંધવા દેવામાં આવે છે.
વધુમાં સામાન્ય નાગરીકને પણ રોજ નજરે દેખાય એવા આ ગેરકાયદે બાંધકામ અંગે ટી.પી. શાખામાં પણ માહિતીની ખરાઈ કરી મહેશ રાજપુતે જણાવ્યું છે કે, આ રોડ પર જમીનનો પ્રતિવાર ભાવ રૂ.૩ લાખ સુધી ગણાય છે. આથી આ બિલ્ડીંગનું ભાડુ પણ લાખોમાં નકકી થ, ગયાનું સમજાય છે. આથી તેમાં ટી.પી.શાખાનાં અધિકારીઓ પેટ ભર્યા વગર રહ્યા હોય એવું માની ન શકાય. આથી નિયમોનાં ભંગ ઉપરાંત ટીપી અધિકારીઓના કારસ્તાનની પણ તપાસ કરી પગલા લેવા જોઈએ.
કમિશ્નરને સીધો પડકાર ફેંકતા મહેશ રાજપુતે જણાવ્યું છે કે એક તરફ કમિશ્નર ઓનલાઈન પ્લાન અને કંપલીશનમાં પૂરા ગુજરાતમાં ટોપ હોવાનો દાવો કરી ગૌરવ લે છે. તો આવા ગેરકાયદેસર બાંધકામની જવાબદારી કોની? શું કમિશ્નર આ કારસ્તાનની તપાસ કરી જવાબદાર ટીપી અધિકારીઓ સામે પગલા લેવા હિંમત કરશે? બાકી ઓનલાઈન મંજૂરી સામે આવા ઓફલાઈન કારસ્તાન ચાલુ જ રહેશે. આ પ્રકરણમાં કોઈનું રાજકીય દબાણ હોય તો તે પણ જાહેર થવું જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com