ભાજપે તેની મુળ બેઠક ઉપરાંત ચાર વધારે બેઠકો પ્રાપ્ત કરી
રાજયની ૭ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે ઉજવણીની તક બની ગયા છે. ભાજપે કોંગ્રેસ પાસેથી ૩ બેઠકો ઝુંટવવામાં સફળતા મેળવી છે. તાજેતરમાં યોજાયેલી રાજયની જુદી જુદી સ્થાનિક સંસ્થાઓની કુલ ૮ બેઠકોની પેટા ચૂંટણીઓમાં ભાજપને તેની મુળ બેઠક ઉપરાંત ચાર વધારે બેઠકો પ્રાપ્ત થઈ છે જે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફ લોકોનો વિશ્ર્વાસ દર્શાવી રહી છે.
મહેસાણા-પાટણમાં કોંગ્રેસનો પરાજય થયો છે. આમ ૮ માંથી ૬ બેઠકો પર ભાજપની જીત થઈ છે. તે બદલ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિજેતા ઉમેદવારો અને કોંગ્રેસને હરાવી ભાજપને વિજયી બનાવવા બદલ સ્થાનિક જનતા તથા મતદારોને અભિનંદન આપ્યા છે.
૭ જિલ્લાની ૭ નગરપાલિકાની ૭ બેઠકો પૈકી ભાજપને ૫ બેઠકો જીતી લીધી છે. પેટા ચૂંટણીમાં અગાઉ ભાજપ પાસે નગરપાલિકાની બે બેઠકો હતી જયારે ગાંધીનગર તાલુકા પંચાયતની રાંધેજા બેઠક પણ ભાજપે અપક્ષ પાસેથી આંચકી લીધી છે. પાલિકાઓમાં આણંદની બોરીયાવી પાલિકા, મહુધાની પાલિકાની, વિજાપુર પાલિકાની, પાટણ પાલિકાની અને તાલાલા પાલિકાની બેઠકો ભાજપે કબજે કરી છે. પરિણામે આગામી ચૂંટણી માટે ભાજપના કાર્યકરોનો વિશ્ર્વાસ અનેક ગણો વધી ગયો છે. વર્ષ ૨૦૧૫માં પટેલ ફેકટરના કારણે ભાજપને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પછડાટનો સામનો કરવો પડયો હતો. જો કે, શહેરી વિસ્તારોમાં પ્રદર્શન સારૂ હતું.