૨૦૧૫-૧૬માં ૧.૬૬ કરોડનો દંડ ફટકારાયો
ગુજરાતમાં સામાન્ય રીતે અન્ય રાજયો કરતા માંસાહારીનું પ્રમાણ ઓછું હોવાની વાતો થાય છે પણ હકિકતે માંસના વેચાણ બાબતે પેનલ્ટી ફટકારવામાં ગુજરાત અવ્વલ નંબરે છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં માંસ અને માંસની પ્રોડકટો ઉપર ૧,૬૬,૮૧,૦૦૦ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ પેનલ્ટી દેશભરમાં માંસના વિક્રેતાઓને ફટકારવામાં આવેલા દંડના ૩૭% છે.
ગુજરાતમાં એક વર્ષમા કુલ ૧૧,૩૬૪ ફુડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૮૩૯ સેમ્પલ અખાદ્ય નિકળ્યા હતા. એફએસએસએસઈ દ્વારા આ બાબતે કુલ ૪૬ ક્રિમીનલ કેસ અને ૫૧૩ સિવિલ કેસ દાખલ કર્યા હતા. ગુજરાતમાં માંસ વિક્રેતાઓ ઉપર સ્વચ્છતા અને બેદરકારીના અવારનવાર આક્ષેપો કરવામાં આવે છે અને ગુજરાતમાં મોટા પ્રમાણમાં દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ કાર્યવાહી ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત માંસના વેચાણમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. દેશમાં તામિલનાડુમાં સૌથી ઓછો દંડ ફટકારવામાં આવ્યો છે. એફડીસીએના કમિશનરે કહ્યું હતું કે, ગુજરાતના તમામ જીલ્લામાં ફુડ સેફટી અધિકારીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવે છે અને સેમ્પલ લઈને તેનું પરિક્ષણ પણ થાય છે. આ અધિકારીઓને ૩ લાખ સુધીનો દંડ ફટકારવાનો અધિકાર આપવામાં આવ્યો છે.