સફાઈ કામદારોના શરૂ કરાયેલા ટેસ્ટીંગ રિપોર્ટ દરમિયાન વેસ્ટ ઝોનમાં ૪૫ અને ઈસ્ટ ઝોનમાં ૨૨ સફાઈ કામદારો તાવ સહિતના એક પણ લક્ષણ વિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો: કાલથી બે દિવસ સેન્ટ્રલ ઝોનમાં સફાઈ કામદારોનું સ્ક્રીનીંગ
રાજકોટ શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. પ્રતિદિન ૬૦થી વધુ પોઝિટિવ કેસો મળી રહ્યાં છે. કાળમુખા કોરોનાએ બે સફાઈ કામદારોના ભોગ લીધા બાદ રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા બે દિવસથી તમામ સફાઈ કામદારોનું સ્ક્રીનીંગ કરવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત તાવ સહિતના એકપણ જાતના પ્રાથમિક લક્ષણ વીના ૬૭ સફાઈ કામદારોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તમામ સંક્રમિતોને સમરસ હોસ્ટેલ ખાતે આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે અને પ્રાથમિક સારવાર શરૂ કરી દેવાઈ છે. સફાઈ કામદારોમાં સંક્રમિતોની સંખ્યામાં હજુ વધારો થાય તેવી શકયતાઓ પણ નકારી શકાતી નથી. હાલ ઈસ્ટ ઝોન ખાતે સફાઈ કામદારોનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. દરમિયાન આવતીકાલથી બે દિવસ સેન્ટ્રલ ઝોન ખાતે સફાઈ કામદારોનું ટેસ્ટીંગ શરૂ કરવામાં આવશે.
આ અંગે મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ છેલ્લા થોડા દિવસોમાં ૨ સફાઈ કામદારોનું કોરોનાના કારણે મોત થયા બાદ સફાઈ કામદારો સુપર સ્પ્રેડર ન બને અને સંક્રમણ વધુ ન થાય તે માટે તમામ ૪૮૦૦ સફાઈ કામદારોનું એન્ટીજેન કીટ મારફત કોરોના ટેસ્ટીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગઈકાલે વેસ્ટ ઝોન વિસ્તારના સફાઈ કામદારોનું સ્ક્રીનીંગ શરૂ કરાયું હતું. જેમાં ૪૫ સફાઈ કામદારોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે તમામને સમરસ હોસ્ટેલ ખાતે આઈસોલેટ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓને ૧૦ દિવસ રાખવામાં આવશે. દરમિયાન આજે ઈસ્ટ ઝોન ખાતે સફાઈ કામદારોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં બપોર સુધીમાં કુલ ૨૨ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એકપણ સફાઈ કામદારને તાવ, શરદી, ગળામાં દુ:ખાવો જેવા કોરોનાના એકપણ પ્રાથમિક લક્ષણો જોવા મળ્યા ન હતા. છતાં એન્ટીજેન કીટ મારફત કરવામાં આવેલા ટેસ્ટમાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આજ બપોર સુધીમાં કુલ ૨૩૪૭ સફાઈ કામદારોનું ટેસ્ટીંગ કરી દેવામાં આવ્યું છે. કુલ ૪૦૦૦થી વધુ સફાઈ કામદારોના કોરોના ટેસ્ટ કરાશે. કાલથી બે દિવસ સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા સફાઈ કામદારોનું ટેસ્ટીંગ કરાશે. સફાઈ કામદારોમાં કોરોના સંક્રમણનો આંક હજુ વધે તેવી શકયતા પણ નકારી શકાતી નથી કારણ કે હજુ ૧૭૦૦ જેટલા સફાઈ કામદારોનું ટેસ્ટંીગ કરવાનું બાકી છે. બે દિવસમાં ૬૭ સફાઈ કામદારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ તમામને સમરસ હોસ્ટેલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. જરૂર જણાશે તો તેઓને સિવિલમાં પણ દાખલ કરાશે.
સોની બજારમાં ૧૦ વેપારીઓ કોરોનાની ઝપટે
કોર્પોરેશન દ્વારા ૫૪ વેપારીઓનું ટેસ્ટીંગ કરાયું: સોની બજારમાં ડરનું લખલખું
શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે સોની બજારમાં એન્ટીજનકીટ મારફત કોરોનાનું ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું હતુ જેમાં બપોર સુધીમાં ૫૪ વેપારીઓનું ટેસ્ટીંગ કરાયું હતુ જે પૈકી ૧૦ વેપારીઓનાં કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા સોની બજારમાં ડરનું લખલખુ વ્યાપી જવા પામ્યું છે. આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર આજે સવારથી સોની બજારમાં વેપારીઓ તથા બંગાળી કારીગરોનાં કોરોના ટેસ્ટ કરવામા આવી રહ્યા છે. જેમાં બપોર સુધીમાં ૫૪ વ્યકિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૦ વેપારીઓને કોરોના પોઝિટિવ આપ્યો છે. હજી ટેસ્ટીંગની કામગીરી ચાલી રહી છે. અને આ આંકડો વધે તેવી શકયતા લાગી રહી છે. ૧૦ પૈકી એક પણ વેપારીને કોરોનાના લક્ષણો જોવા મળ્યા ન હતા.