નર્મદા: કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી.સિંઘ બઘેલએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર પટેલને ભાવાંજલી અર્પી હતી. કેન્દ્રીય રાજ્યમંત્રીએ SoUની મુલાકાત પોથીમાં નોધ્યું કે “સરદાર સાહેબ જેવા વ્યક્તિ જન્મ નથી લેતા, પરંતું ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્તિ માટે અવતરિત થાય છે,” જંગલ સફારી પાર્ક, સરદાર સરોવર નર્મદા ડેમ સહિત વિવિધ પ્રકલ્પોને પ્રત્યક્ષ નિહાળી પ્રવાસન કેન્દ્ર એકતા નગરની પ્રસંશા કરી હતી. જિલ્લા કલેક્ટર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટરએ કોફીટેબલ બુક અને સ્મૃતિરૂપે સરદાર પટેલની પ્રતિકૃતિ અર્પણ કરી.
કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુ પાલન, ડેરી ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી એસ. પી. સિંઘ બઘેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતા નગર સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર પટેલને ભાવાંજલી અર્પી હતી. મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતા નગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રસંશા કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર પટેલના જીવન-કવનની તસવીરી ઝલક મંત્રીએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ મયુરસિંહ રાઉલ દ્વારા મંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા.
મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર નારાયણ માધુએ મંત્રીને સ્મૃતિરૂપે સરદાર પટેલની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કર્યા હતા. મંત્રી બઘેલએ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત પોથીમાં નોધ્યું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટીના દર્શન કરવાનો અવસર પુનઃ પ્રાપ્ત થયો. સરદાર સાહેબ જેવા વ્યક્તિ જન્મ નથી લેતા, પરંતું ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્તિ માટે અવતરિત થાય છે. મહાપુરુષોના સ્મારકથી જાગૃતિ આવે છે. જાગૃતિથી વિચારો બદલાય છે, વિચારોથી સંઘર્ષ કરવાની ક્ષમતા આવે છે. સંઘર્ષથી સત્તા અને સત્તાથી ઇતિહાસ બને છે. જેને સદીઓ સુધી યાદ કરવામાં આવે છે. એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી જંગલ સફારી પાર્ક અને સરદાર સરોવર નર્મદા ડેમની મંત્રીએ મુલાકાત લઈ ગાઈડ પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. મંત્રીની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા અને નાયબ કલેકટર અભિષેક સિન્હા સહિત જિલ્લા વહીટીતંત્ર અને સ્ટેચ્યુ ઑફ યુનિટીના અઘિકારી-કર્મચારીઓ જોડાયા હતા.