નર્મદા જિલ્લામાં ડિસેમ્બર, 2024 દરમિયાન પ્રાકૃતિક ખેતી સંદર્ભે 280 થી વધુ તાલીમ શિબિર યોજાઈ. ખેડુતો માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ માર્ગ 8 હજાર ખેડૂતો તાલીમ શિબિરમાં જોડાયા. ઉત્પાદન, ગુણવત્તા અને આવકમાં ખેડૂતોને વધારો થતા પ્રાકૃતિક ખેતી તરફ બદલાતો દ્રષ્ટિકોણ. એસ્પીરેશનલ નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોના જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતા, વેચાણ, આવક અને ગ્રાહકોની માંગમાં વધારો થાય અને ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર ખૂલે તેવા ઉમદા આશય સાથે આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ વિશ્વસનીય અને અનુભવી ખેતી નિષ્ણાંતો દ્વારા ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન જિલ્લાના નાંદોદ, તિલકવાડા, ગરૂડેશ્વર, દેડિયાપાડા અને સાગબારા તાલુકાના મોટાભાગના ગામોને આવરી લઈને કુલ 280 થી વધુ ખેડૂત તાલીમ શિબિર યોજીને અંદાજિત 8 હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોના દ્રષ્ટિકોણ હવે બદલાઈ રહ્યાં છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે પરિણામલક્ષી પ્રયાસો કરી રહ્યાં છે, ત્યારે નર્મદા જિલ્લા તંત્ર તેમાં સહભાગી થઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરી સરાહનીય કામગીરી કરી રહી છે.
પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા પોષણમાં સુધારો થાય છે, જેના કારણે પાકનું સ્વાસ્થ્ય અને સાથે માનવ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કુદરતી તત્વોથી તૈયાર થયેલા સેન્દ્રીય ખાતરોના કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો તો થાય જ છે. પરંતુ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ફળફળાદી સ્વાદે વધુ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે. રસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ તો ઘટે જ છે, પ્રકૃતિના તત્વોથી ખેતી કરવાના કારણે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. આજે લોકો હાઈજીનને વધુ મહત્વ આપી રહ્યાં છે, ત્યારે સ્વાભાવિક છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓની બજાર માંગ ધીરે ધીરે વધવાની જ છે. ટૂંકમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતોના સમૃદ્ધિના નવા દ્વાર ખોલવા સક્ષમ છે. શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પ્રાકૃતિક ખેતીની સમજ જરૂરિયાત, મહત્વતા તેમજ લાભકારતા અંગે જાણકારી આપી માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરે નિદર્શન દ્વારા રૂબરૂ જાણકારી આપવામાં આવી હતી સફળ ખેડૂતોની વાત સ્વમુખે અન્ય ખેડૂતોને સંભળાવી તેઓનો વિશ્વાસ મજબૂત કરવાનું સરાહનીય કાર્ય આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવે છે.