નર્મદા: સરકારી વિનયન કૉલેજ તિલકવાડા દ્વારા બે દિવસીય “પ્રકૃતિ શિક્ષણ શિબિર” યોજાઈ હતી. તિલકવાડાની આસપાસ પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા વિવિધ સ્થળોની શિબિરાર્થીઓએ મૂલાકાત કરી હતી. વન વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને વનસંપદાઓની પ્રત્યક્ષ મુલાકાત થકી માહિતી પુરી પાડી હતી. કોઈપણ વ્યક્તિના જીવનમાં ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવાનું કાર્ય કરતી કોલેજ એ માત્ર શૈક્ષણિક સંસ્થા જ નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું મહત્વનું કેન્દ્ર પણ છે.
આજે સમગ્ર વિશ્વમાં જ્યારે પર્યાવરણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે ત્યારે પ્રકૃતિકનું જતન અને પ્રાકૃષિ ખેતી એક ઉત્તમ વિકલ્પ બની રહ્યો છે. જંગલોના સંવર્ધન અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે કોલેજો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સરકારી વિનયન કૉલેજ તિલકવાડા અને સામાજિક વનીકરણ વિભાગ-તિલકવાડા રેંજના સંયુક્ત ઉપક્રમે કૉલેજનાં આચાર્ય ડૉ.એમ.એમ. ડામોરના માર્ગદર્શન હેઠળ તા. 06 અને 7મી ડિસેમ્બર-2024 દરમિયાન બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ હતી. શિબિરના પ્રથમ દિવસે અગર નમો વડ વન અને વજેરીયા પ્રકૃતિ શિક્ષણ શિબિર કેન્દ્રની સૌએ મુલાકાત લીધી હતી. જ્યાં RFO જે.એ. સોલંકીએ વિદ્યાર્થીઓને વન અને વન વિભાગ વિશે માહિતી આપી, પ્રકૃતિ શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું.
આ ઉપરાંત વડોદરાની GSPCA (ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા)ના વડા રાજેશ ભાવસારે ઝેરી અને બિનઝેરી સાપોની ચિત્ર નિદર્શન સાથે રસપ્રદ રીતે જીવન ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. શિબિરના બીજા દિવસે સૌએ કોયારી પવિત્ર ઉપવન, ભાદરવા વન કવચ વન, ભાદરવા દેવ મંદિર અને જેતપુર નર્સરી રોપ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી. અહીં પણ RFO જે.એ. સોલંકીએ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી પ્રકૃતિ શિક્ષણ આપ્યું હતું. આ ઉપરાંત નિવૃત RFO જે.જે.ગોહિલે વૃક્ષ ઉછેર અને તેના મહત્ત્વ વિશે જ્ઞાનવર્ધક માહિતી આપી વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરવા પ્રેરિત કર્યા હતા. આમ, બે દિવસ સુધી વિદ્યાર્થીઓ પ્રકૃતિમય બન્યા હતા. સરકારી વિનયન કૉલેજ તિલકવાડાના અધ્યાપક ડૉ.હરદાસ રામે કૉ-ઓર્ડીનેટર સ્થાને રહી બે દિવસ પ્રકૃતિના સાનિધ્યમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિ શિક્ષણમાં જોડ્યા હતા. આ શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહભાગી બન્યા હતા.