નર્મદા જિલ્લામાં આગામી તા.26 મી જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી દેડિયાપાડા તાલુકા મથકે કરાશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે આજે રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. દેડિયાપાડાના મોઝદા રોડ સ્થિત પીઠા ગ્રાઉન્ડમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુનોની પરેડ યોજાશે. તદઉપરાંત વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રો વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની તૈયારીઓ સહિત સમગ્ર કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગે આયોજન અને અમલવારી કરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન કલેક્ટર એસ.કે.મોદીએ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. વિવિધ વિભાગો દ્વારા દર્શાવવાના થતા ટેબ્લોમાં સરકારની ફ્લેગશિપ યોજનાઓ અને લોક જાગૃતિને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુતિ થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમના દિવસે સ્થાનિક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, અધિકારી-કર્મચારીઓ, સ્થાનિક સહકારી સંસ્થાઓ, વેપારી મંડળોને રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત થવા આગોતરૂં આમંત્રણ મળી જાય અને તેઓ ભાગ લે તે જોવા જણાવ્યું હતું. કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન આપી કાર્યક્રમ યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે અપીલ કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ કલેક્ટરશ્રીઓ, દેડિયાપાડા અને નાંદોદના પ્રાંત અધિકારીઓ, જિલ્લા વહિવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.