નર્મદા: રાજ્યભરમાં દર મહિને ત્રિજા શનિવારે યોજાતી સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળતી હોય છે. જેમાં જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા પ્રજાના પ્રશ્નો લેખિતમાં રજૂ કરાય છે. જેનો સંબંધિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ આ અંગે વાસ્તવિકમાં થયેલી કામગીરી અને બાકી રહેવાના કારણો આ બેઠકમાં રજૂ કરવામાં આવે છે. જિલ્લા સંકલનની બેઠક અગત્યની અને મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ મહત્વની યોજનાઓ અંગે રાજ્ય દ્વારા ફાળવેલ જિલ્લાના લક્ષ્યાંકમાં ભૌતિક સિધ્ધિ હાંસલ કરવામાં આવી હોય તે અંગે અને બાકી રહેલા લક્ષ્યાંકની પૂર્તિ અને ફાળવેલ ગ્રાન્ટનો વપરાશ અંગે પણ આ બેઠકમાં સમીક્ષા હાથ ધરવામાં આવે છે. નર્મદા જિલ્લા સંકલન (વ) ફરિયાદ સમિતિ બેઠક આજે તા.21/12/2024 ના રોજ કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર સી.કે.ઉંઘાડની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વિસ્તારના તથા જિલ્લાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્યએ નવાવાઘપુરા ગામે રોડમાં સંપાદિત જમીનના વળતર અંગે, નર્સીંગ કોલેજમાં ભણતા વિદ્યાર્થી અંગેના પ્રશ્નો શિષ્યવૃત્તિ, ફ્રીશીપ કાર્ડ, મકાનમાં આગ લાગવાના બનાવ અંગે લોકોને વળતર અને રસ્તા અંગેના કામોની રજૂઆત કરી હતી. જેનો સંબંધિત અધિકારીએ સંતોષકારક જવાબ આપ્યો હતો અને બાકી રહેલા કામો ઝડપથી પુરા કરવાની બાહેંધરી આપી હતી.
ભાગ-2 માં રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ આરોગ્ય રસ્તા, 108 એમ્બ્યુલન્સ અને બ્લેક સ્પોર્ટ, જમીનના વળતર, મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના, બેંક દ્વારા મુદ્રા યોજના તેમજ સંબંધિત વિભાગની લોન સહાય, પંડિત દિનદયાળ આવાસ, આંબેડકર આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, પશુપાલન, મત્સ્યઉદ્યોગ સહાય, ડેવલપમેન્ટ તાલુકો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વગેરે વિભાગોના લાભાર્થીઓને આપવાની થતી સહાય તેમજ પોર્ટલ પર આવેલી અરજીઓના નિયમોનુસાર નિકાલ કરવા બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠક બાદ કાયદો-વ્યવસથા, રોડ સેફ્ટી, હીટ એન્ડ રન, જમીન સંપાદન, માંદક દ્રવ્યો અંગેની પણ બેઠક યોજાઇ હતી અને મહત્વની બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને આગામી સુશાસન દિવસ અંગે તેમજ સોશિયલ મિડીયા અંગે પણ ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે, પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી, પ્રોબેશનરી અધિકારી મુસ્કાન ડાંગર સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.