નર્મદા: રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર ગઇકાલે સાંજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં અને રાજપીપળા ખાતે સ્વામિત્વ કાર્યક્રમમાં હાજરી આપવાના હતાં પણ મોડીરાત્રે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા આ કાર્યક્રમ રદ કર્યો હતો અને સવારે તેમણે રાજપીપળા આદર્શ નિવાસી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી હતી અને બાળકોને આપવામાં આવતા ભોજન, રહેઠાણ અને સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતુ અને વર્ગખંડમાં જઇને બાળકો સાથે સંવાદ કર્યો હતો. વર્ષ 1990ના દાયકામાં દેશમાં આર્થિક સુધારામાં મહત્વનું યોગદાન આપનાર અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને મંત્રી વિદ્યાર્થી અને સ્ટાફ સહિત લોકોએ બે મિનિટ મૌન પાળીને દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી હતી.
ત્યારબાદ મંત્રીએ એકતાનગર ખાતે આવેલી ગોરા એકલવ્ય રેસિડેન્સિયલ સ્કૂલ પી.એમ સ્કૂલ ફોર રાઈઝીંગ ઈન્ડિયાની મુલાકાત કરી હતી. જેમાં ધોરણ-10 -12ના સાયન્સ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષણની ગુણવત્તા અને સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી સગવડો સુવિધા અંગે વિદ્યાર્થીઓને પૃચ્છા કરી હતી. અને એક શિક્ષક તરીકેની ટૂંકી પ્રેરણાદાયી ભૂમિકા અદા કરી હતી. અને કહ્યું હતું કે, હું પણ એક આશ્રમ શાળા અને સરકારી સ્કૂલમાં ભણીને આગળ આવ્યો છું. સાથે સ્ટાર્ટ અપ, ઈનોવેશન, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર અને વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અંગે પ્રશ્નો પૂછીને શિક્ષણની ગુણવત્તા સંવાદ થકી જાણી ચકાસી હતી. અને શાળાના આચાર્ય પાસેથી બાળકોને સુવિધા-બાળકો દ્વારા કરાવવામાં આવતી પ્રવૃત્તિ ખેલમહાકુંભની અને શૈક્ષણિક પ્રવાસ અંગેની વિગતો મેળવી હતી. અને બાળકોને ઈનોવેશન રૂબરૂ જોવા મળે તેવા પ્રવાસો ગોઠવવા સૂચન કર્યું હતું. બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટેની ગુણવત્તા પણ રસોડામાં જઈને ચકાસી હતી અને કેટલીક તૃટીઓ ધ્યાને આવતા તેને તાત્કાલિક બદલી સુધારવા સૂચના આપી હતી.
મંત્રીએ તિલકવાડા ખાતે આવેલી રેસિડેન્સિયલ સ્કૂલની પણ મુલાકાત કરી હતી. અને કોમર્સ – સાયન્સના વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તિલકવાડા ખાતે ધોરણ-12 સાયન્સમાં ભણતી હાર્દવી સોમા વસાવા, ગામ પીપલોદ, દેડિયાપાડાની દીકરીને પ્રેમથી પૃચ્છા કરી હતી. તેમના પિતા સિકલસેલની બિમારીના કારણે કોરોનામાં મૃત્યુ પામ્યા હતા અને માસીને ત્યાંથી અભ્યાસ કરીને આજે અહીં રેસિડેન્સીયલ સ્કૂલ-તિલકવાડામાં ભણે છે. તેને વહાલથી હૂંફ આપી કહ્યું કે, ચિંતા કરવાની જરૂર નથી. આવી સુંદર સ્કૂલમાં ભણી ગણીને આગળ વધવા પ્રોત્સાહિત કરી હતી. અને કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી મોદી એ દેડિયાપાડામાં શાળા પ્રવેશ કરાવેલી ઘણી દીકરીઓ આજે નોકરી કરીને કારકિર્દી બનાવી છે. સ્કૂલમાં ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓની દરકાર સરકાર લઈ રહી છે.
નેગેટિવિટી છોડી હકારાત્મક અભિગમ સાથે આગળ વધવા જણાવી તમે આવતી કાલના ભારતના ભાવિ નાગરિકો છો વિકસિત ભારત-2047ના સ્વપ્નના તમે સાક્ષી બનવાના છો. તેમ જણાવી ઉજ્જવળ ભવિષ્ય ઘડતર કરવા સખત મહેનત કરવા હિમાયત કરી હતી. તિલકવાડા સ્કૂલની મુલાકાત બાદ મંત્રીએ છોટાઉદેપુર જિલ્લાની કોસિન્દ્રા સ્કૂલની મુલાકાત લીધી હતી. અને ત્યાં વિદ્યાર્થીઓને અપાતી સુવિધા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અને ત્યાં પણ બાળકો અને શૈક્ષણિક સ્ટાફ સાથે સંવાદ કરીને બે મિનિટ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના માનમાં મૌન પાળીને દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી. નર્મદા જિલ્લાની મુલાકાત વેળાએ મંત્રી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવે, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ. વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સંગઠનના અગ્રણી તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.