નર્મદા: ગુજરાત સરકારના કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગના પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ-રાજપીપલા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવીની અધ્યક્ષતા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત મહિલા અને બાળ-યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન દક્ષા વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લાકક્ષાના ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવીએ જણાવ્યું કે, ભૂલકાં મેળાના આયોજન થકી દેશના ભાવિને સાચી દિશા આપવાનું કામ થઈ રહ્યું છે. બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ છે. આ મેળાના માધ્યમથી દર્શાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ ભૂલકાંઓને આકર્ષી રહ્યાં છે અને નવી ઊર્જા સાથે પ્રેરણા પણ પુરી પાડે છે. આ મેળામાં આવેલાં ભૂલકાંઓ કંઈક નવું શીખીને, ભાથું લઈને જશે અને પોતાના જીવનને ઉન્નત બનાવી દેશના ભવિષ્યને વધુ મજબૂત બનાવવામાં સહભાગી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, દરેક વ્યક્તિના જીવનમાં સૌથી ઉચ્ચ કોટિનું સ્થાન રહેતું હોય તો તે ગુરૂજનોનું હોય છે. આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાંઓને માતા-પિતા કરતાં વધુ હેત વરસાવી પ્રેમભાવ અને લાગણી સાથે સંસ્કારોનું સિંચન કરી દેશના ભવિષ્યને સાચી દિશા આપવાનું ખૂબજ કઠિન કાર્ય કરી રહ્યાં છે તે પ્રસંશનીય અને ખરેખર મૉં – ગુરૂ કરતાં વધુ ઉચ્ચ સ્થાને રહ્યાં છે.
આ ભૂલકાં મેળામાં જિલ્લાના પાંચેય ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળશક્તિ તેમજ અન્ય પોષક સામગ્રીમાંથી બનાવેલી વાનગીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેનું મહેમાનઓ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન TLM તૈયાર કરાવનાર પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર દ્વારા સ્ટોલની સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવી હતી. આંગણવાડીના નાના ભૂલકાંઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ તથા પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર દ્વારા કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. સ્ટોલ અને કૃતિ પ્રસ્તૃતિકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, આંગણવાડી કાર્યકરો અને પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર્સને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી તેમજ ઈન્ચાર્જ ICDS પ્રોગ્રામ ઓફિસર જે.બી. પરમાર, પાંચેય તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીઓ, પ્રિ-સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર્સ, આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડીના ભૂલકાંઓ-વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.