ધોરાજીની મુલાકાતે આવેલા પરેશ ધાનાણીનું પાણી પ્રશ્ર્ને મૌન: સોંદરવા
ધોરાજીની મુલાકાતે આવેલા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પાણી પ્રશ્ર્ને મૌન રહેતા તાલુકાની ૩૦ ગામની લાખોની જનતાનું અપમાન કરેલ છે અને વિરોધ પક્ષને આ પ્રશ્ર્ને કોઈપણ રસ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. વિરોધપક્ષના નેતા સ્થાનિક વિસ્તારની મુલાકાતે જતા હોય ત્યારે સ્થાનિક પ્રશ્ર્નોને વિશેષ મહત્વ આપીને તેમનો પ્રજા પ્રત્યેનો ઈરાદો જાહેર કરવાનો હોય છે પણ આમ કરવામાં પરેશભાઈ નિષ્ફળ થયા છે. જે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાની બેદરકારી ઉડીને આંખે વળગી છે. ધોરાજી શહેર તાલુકાની જનતા માટે કમનસીબ કહી શકાય તેમ છે. ધોરાજી તાલુકાના ૩૦ ગામોને પીવાના પાણીના પ્રશ્ર્નને લઈને પાણી પુરવઠા યોજના અમલમાં આવી હતી અને આ પાણી ભાદર-૨ ડેમમાંથી ઉપાડવાનું અને પુરુ પાડવાનું હોય છે. પણ આ પાણીમાં કેમીકલ ભળી જવાના કારણે પીવાલાયક રહેતું ન હોવાથી તાલુકાના ૭ થી ૮ ગામો જ આ પાણી ઉપાડે છે. તેમ દલિત વિકાસ મોરચો, ધોરાજીના પ્રમુખ કાંતીલાલ સોંદરવાની યાદીમાં જણાવાયું છે.