બિટકોઇનકાંડમાં સંડોવાયેલા કોટડીયાને હાજર થવાનું દબાણ લાવવા બીન જામીન લાયક વોરન્ટ કોર્ટે ઇસ્યુ કર્યુ
અમરેલી જિલ્લા પોલીસ વડાના ઇશારે એલસીબી સ્ટાફે બિલ્ડરનું અપહરણ કરી બળજબરીથી બિટકોઇન પડાવ્યાના ગુનામાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાની સંડોવણી બહાર આવતા તે ભૂગર્ભમાં ઉતરી જતાં તેની ધરપકડ માટે સીઆઇડી ક્રાઈમે સ્પેશ્યલ કોર્ટમાંથી બીન જામીન લાયક વોરન્ટ મેળવી દબાણ વધાર્યુ છે.
બિટકોઇનકાંડમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્યને ઝડપી લેવા સીઆઇડી ક્રાઇમના સ્ટાફે તેના નિવાસ સ્થાન અને ગૌશાળા ખાતે દરોડા પાડયા હતા અને સીઆરપીસીની જોગવાઇ મુજબ સમન્સ પણ મોકલ્યું હોવા છતાં હાજર ન થતા તપાસમાં તેની ધરપકડ જરૂરી હોવાથી સ્પેશ્યલ સેશન્સ જજ તમકુવાલાની કોર્ટમાં સીઆરપીસી કલમ ૧૭૦ મુજબના વોરન્ટ મેળવવા અરજી કરી હતી.
પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને સમન્સ મોકલાતા તેઓએ ફેકસ દ્વારા કરી પોતે તા.૭ મેના રોજ હાજર થશે ત્યાર બાદ તા.૧૨ મેના રોજ હાજર થશે તેવું જણાવ્યું હતું પણ તેઓ હાજર થતા ન હોવાનું અને પોલીસે ધરપકડ માટે દરોડા પાડતા તેઓ મળી ન આવતા અન્ય પોલીસની મદદ મળી રહે અને દેશના તમામ એરપોર્ટ પર જાણ કરી શકાય તે માટે સીઆરપીસી કલમ ૧૭૦ મુજબનું વોરન્ટ મેળવવું જરૂરી હોવાનું સીઆઆઇડી ક્રાઇમ વતી એડવોકેટ સુશીલર બ્રહ્મભટ્ટે કોર્ટમાં દલીલ કરી હતી.
સ્પેશ્યલ સેશન્સ જજ તમકુવાલાએ પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાની ધરપકડ માટે બીનજામીન લાયક વોરન્ટ ઇસ્યુ કરતો હુકમ કર્યો છે. નલીન કોટડીયાની બિટકોઇન પ્રકરણમાં ગમે તે ઘડીએ ધરપકડ થઇ શકે તેમ હોવાનું સ્પષ્ટ બન્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com