- સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં દીપડો ઘુસયો
- 8 કાળિયારનો કર્યો શિકાર
- દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો તે સ્પષ્ટ થયું નથી
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા જંગલ સફારી પાર્કમાં રાખેલા પ્રાણીઓ અગાઉ કોઈકને કોઈક કારણોસર મૃ*ત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કમાં દીપડો ઘુસી ગયો હતો અને 8 કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાની એક ઘટના બની હતી.
કેવડીયા આસપાસના જંગલ વિસ્તારમાં ઘણા બધા માનવભક્ષી દીપડાઓ છે. ત્યારે આસપાસના જંગલ વિસ્તાર માંથી દીપડો અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં ઘુસી આવ્યો હતો. અને કાળિયાર જ્યાં રાખેલા છે ત્યાં જઈ ચઢ્યો હતો. તેમજ દીપડાએ 8 જેટલાં કાળિયારનો શિકાર કર્યો હતો. તેમજ દીપડો હજુ જંગલ સફારી પાર્કમાં જ છે કે સફારી પાર્કની બહાર નીકળી ગયો છે એ હજુ જાણવા મળ્યું નથી.
આ બાબતે કેવડીયામાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કેવડીયાની આસપાસના સેંચ્યુરી વિસ્તારમાંથી જંગલ સફારી પાર્કમાં દીપડો આવી ગયો હતો અને 8 કાળિયાર હરણો પર હુ*મલો કરતા એમનું મૃત્યુ નિપજ્યું હતું.સરકારી પ્રોટોકોલ મુજબ જંગલ સફારી પાર્કમાં જ પશુ ચિકિત્સકની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરી અગ્નિદાહ અપાયો હતો.આખો વિસ્તાર CCTVથી કવર કરેલો છે એટલે એ દીપડો ક્યાં છે એની તપાસ ચાલુ છે. આ ઘટનાનો અમે વાઇલ્ડ લાઈફ અને સરકારમાં રિપોર્ટ કરી દીધો છે.
આ ઘટના બાદ જંગલ સફારી પાર્કનું સંચાલન કરી રહેલી એક ખાનગી કંપનીએ સ્થાનિક વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ તુરંત એ ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને મૃ-ત્યુ પામેલા કાળિયાર પર દીપડાએ કેવી રીતે હુ-મલો કર્યો એ બાબતે તપાસ હાથ ધરી હતી. દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો એ મુદ્દે મૂંઝવણ છે. સફારી પાર્કમાં 400 થી વધુ CCTVકેમેરા લગાવેલા છે.
જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે આટલી ચુસ્ત વ્યવસ્થા હોવા છતાં પણ બહારના જંગલમાંથી દીપડો ઘુસી જતો હોય તો આ જોતાં સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ અને અંદર કામ કરતાં કર્મચારીઓનો જીવ જરૂર જોખમમાં છે એમ કહી શકાય.આ ઘટના બાદ જંગલ સફારી પાર્કના કર્મચારીઓ અને આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હજુ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી બન્યું છે.