તાપી જિલ્લા ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના 76માં પ્રજાસતાક પર્વને લઈ તાપી જિલ્લા પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ. 26 જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે એટ હોમ કાર્યક્રમ જ્યારે વ્યારાના દક્ષીણાપથ વિવિધલક્ષી વિધ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે – 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લાના આંગણે થવા જઇ રહી છે. ત્યારે જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણીના સુચારૂ આયોજન અન્વયે વિવિધ સમિતીઓ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજરોજ તાપી જિલ્લાના પ્રભારી સચિવ મિલિંદ તોરવણેના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતીઓ સાથે જિલ્લામાં સુચારૂ આયોજન અંગેની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવએ કાર્યક્રમના આયોજન અન્વયે સંલગ્ન વિભાગો પાસેથી તૈયારીઓ વિશે તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી વ્યવસ્થા બાબતે અધિકારીઓને સુચનો કરી માર્ગદર્શન આપ્યુ હતું. બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવએ 26મી જાન્યુઆરીના પૂર્વ સંધ્યાએ યોજાનાર એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન તેમજ વિવિધ જાહેર સ્થળો,સરકારી કચેરીઓએ લાઇટિંગ, સુશોભન, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમ,પ્રચાર-પ્રસાસ,કાયદો-વ્યવસ્થા,સહિતના મુદ્દાઓ વિશે જેતે સમિતીના અધ્યક્ષો સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
જિલ્લા પ્રભારી સચિવએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લા માટે આ ગૌરવની વાત છે કે, રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તાપી જિલ્લાના આંગણે ઉજવાઇ રહ્યો છે.રાષ્ટ્રિય પર્વની શાનદાર ઉજવણીમાં સૌને ઉત્સાહપુર્વક ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હોવાથી તમામ કામગીરીઓ-વ્યવસ્થાઓ આયોજનબદ્ધ થાય તે મુજબ કામગીરી કરવા સુચન કર્યુ હતું. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળેલી રીવ્યૂ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ,જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ,પ્રાયોજના વહિવટદાર રામનિવાસ બુગલીયા,નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન તાપી જિલ્લામાં કરવામાં આવ્યું છે. વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્ય કક્ષાના 76મા પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવશે. તેમજ 25મી જાન્યુઆરી એટલે કે 26 જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે એટ હોમ કાર્યક્રમ જ્યારે વ્યારાના દક્ષીણાપથ વિવિધલક્ષી વિધ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ ત્રણેય મુખ્ય કાર્યક્રમોના આયોજનને સુચારૂ રીતે પાર પાડવા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓનો આરંભ કરી દીધો છે.