ડાંગ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસીડેન્સિય સ્કુલ મહાલ ખાતે “સાયબર સેફટી” અંગે સેમિનાર યોજાયો: ડાંગ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા એસ્પરેશનલ બ્લોક સુબીર તાલુકાના મહાલ ગામમાં આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સિય સ્કુલ ખાતે “સાયબર સેફટી” અંગે સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારી મનિષા મુલતાનીએ જણાવ્યું હતું કે, વિશ્વભરના ઘણા વિદ્યાર્થીઓ શાળામાં અને ઘરે કમ્પ્યુટર પર પોતાનો સમય પસાર કરે છે. તેઓ શિક્ષકોને ઈ-મેલ કરવા અને મિત્રો સાથે જોડાવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. જેમાંના કેટલાક કાર્યોમાં ઇન્ટરનેટનો સમાવેશ થાય છે. ઈન્ટરનેટ એક મનોરંજક અને ઉપયોગી સાધન હોઈ શકે છે, પરંતુ તે જોખમી પણ હોઈ શકે છે.
જેથી સાયબર સુરક્ષાની માર્ગદર્શિકા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સુરક્ષિત રહેવામાં મદદ કરી શકે છે. આજે લગભગ દરેક વ્યક્તિઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આજે ઘણા બધા રોજીંદા કામ સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઈન કરી શકાય છે. આ સાથે જ ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે. ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઈમનો પણ ખતરો રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યામાં વધી રહી છે. દરરોજ એવા ઘણા સાયબર ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે સૌ કોઈ જાણે છે. જેથી આપણી સાથે સાઇબર ફ્રોડની ધટના થાય ત્યારે શું તકેદારી રાખવી તથા મૂંઝવતા પ્રશ્નો વિષયક વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.
સાયબર ક્રાઇમના પોલીસ કોન્સટેબલ આશાબેને સાયબર ક્રાઇમ થાય તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1930 અને ઓનલાઈન નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પ્લેટફોર્મ પર સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ કરી શકાય છે તેમજ સાયબર ક્રાઇમના કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. બાળ સુરક્ષા એકમના પ્રોબેશન ઓફીસર નિકોલસભાઇ દ્વારા POCSO Act-2012, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 કાયદા અને પાલક માતા-પિતા યોજના વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અન્ય મહાનુભાવો દ્વારા શી ટીમ વિશેની જાણકારી, સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને કિશોરીઓને લગ્ન પહેલા અને લગ્ન પછી ઉદભવતા સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે લાવવું તે અંગે વિદ્યાર્થીનીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ બેટી બચાવો બેટી પઢાવો અને વ્હાલી દિકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. અહિં ગુડ ટચ બેડ ટચ વિશેની ટુંકી ચલચિત્રનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.