ડાંગ જિલ્લાના આહવા ખાતે “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામાણી અધિનિયમ-2013” અંતર્ગત એક દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો. મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ તથા આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) સંસ્થાના સયુંકત ઉપક્રમે તારીખ 06 ડિસેમ્બર 2024ના રોજ આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ – ૨૦૧૩” કાયદા અંતર્ગત એક દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારી ડૉ. મનિષા મુલતાનીએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક વક્તવ્ય આપી “કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ – 2013” વિષયક માહિતી આપી હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કાર્યસ્થળે મહિલાઓની જાતીય કનડગત વૈશ્વિક સમસ્યા છે. આજે લગભગ દરેક ક્ષેત્રમાં મહિલા પુરુષ સમોવડી બનીને કાર્ય કરી રહી છે. ઉદ્યોગ, વેપાર, ખેતી, ઘરકામ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, વહીવટી ઓફિસ એમ વિવિધ સ્થળે કામ કરતી મહિલાઓ જાતીય સતામણીનો ભોગ બને છે. શિક્ષણ મેળવવા કે વધતી જતી મોંઘવારીમાં કુટુંબના જીવનનિર્વાહ માટે કે પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે મહિલાઓએ ઘરની બહાર નીકળવું જ પડે છે. સમાજમાં બદનામીના ડરને લીધે કાર્યસ્થળે થતી જાતીય સતામણી બાબતે ખૂબ જ ઓછી મહિલાઓ ફરિયાદ કરવા આગળ આવે છે. જે મહિલા સતામણી સામે અવાજ ઉઠાવે તેના પરત્વે પૂર્વગ્રહયુક્ત વલણ અપનાવાય છે.
કાર્યસ્થળે મહિલાઓની થતી સતામણી એ કોઈ પણ સમાજ માટે શરમજનક તેમ મહિલા અને બાળ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. કાર્યક્રમમાં કાનુની સેવા સત્તા મંડળના વકીલ સંજય બારિયાએ કામકાજના સ્થળે થતી મહીલાઓની જાતિય સતામણી અધિનિયમ -2013 અંતર્ગત કાયદાની કલમ-૨(એન) અંતર્ગત શરીર દ્વ્રારા, શબ્દો કે ઇશારા વગેરે દ્વ્રારા કરેલા કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય જાતીય વ્યવહાર, વર્તણૂકનો જાતીય સતામણીમાં સમાવેશ થાય છે. અને કલમ-3 ઉપરાંત કલમ-4 અને કલમ-4(2) કાયદાકીય માહિતી આપી હતી.
મહીલા અને બાળ અધિકરીની કચેરીના જુદા જુદા માળખાઓ જેમા OSC ના કેન્દ્ર સંચાલક સંગીતાબેન દ્વારા સેન્ટરમાં થતી કામગીરી અને પ્રિ અને પોસ્ટ મેરેજ કાઉન્સિલિંગ વિશે માહિતી આપી હતી. જેન્ડર સ્પેશ્યાલિસ્ટ પિયુષ ચૌધરીએ ગંગાસ્વરૂપા પુનઃ લગ્ન યોજના, અને SFL આંચલબેન દ્વારા મહીલા સ્વાવલંબન યોજના વિશે માહિતી આપી હતી. આમ ઉપસ્થિત વક્તાઓએ વિષય અનુરૂપ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના જિલ્લા કો-ઓડીનેટર મરિયમ ગામીત સહિત અન્ય કર્મચારીઓ તેમજ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) સંસ્થાના કર્મચારીઓ અને ડાંગ જિલ્લાના વિવિધ ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.