ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે આહવાની આશ્રમ શાળા ખાતે થી “મુખ્યમંત્રી પૌષ્ટીક અલ્પાહાર” યોજનાનો શુભારંભ કરાવ્યો. આહવા, વઘઇ અને સુબીરમાં મામલતદારઓએ પ્રા. શાળાઓમા યોજનાનો શુભારંભ કરાવ્યો. શાળાઓમાં મિલેટસ – શીંગદાણાની સુખડી – ચણા – ચાટ – મીકસ કઠોળ ચાટ સહિતનો નાસ્તો આપવામાં આવશે. શિક્ષણ વિભાગ, ગાંધીનગરના તા. 30/11/2024ના ઠરાવથી રાજય સરકાર દ્વારા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર” યોજના હેઠળ સરકારી અને ગ્રાંટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટીકાથી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનાના બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં આશ્રમ શાળા આહવા ખાતે તારીખ 11 ડિસેમ્બરના રોજ કલેકટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને આ યોજનાના શુભારંભ કરાવ્યો હતો.
જ્યારે મામલતદાર, પી.એમ.પોષણ યોજના, ડાંગનાઓ દ્વારા પ્રાથમિક શાળા-મહાલપાડા, મામલતદાર-વઘઈ દ્વારા વઘઈ તાલુકા શાળા ખાતે, મામલતદાર-સુબીર દ્વારા પ્રાથમિક શાળા-કાંગર્યામાળ ખાતે અને મામલતદાર-આહવા દ્વારા પ્રાથમિક શાળા-કોટબા ખાતે હાજર રહી “મુખ્યમંત્રી પૌષ્ટીક અલ્પાહાર” યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ મેનુ મુજબ વિદ્યાર્થીઓને સોમવાર, બુધવાર અને શનિવાર માટે સુખડી (ખાંડેલા સીંગદાણા સહિત) ની (ઘઉં અથવા નાગલી) અને મંગળવાર, ગુરુવાર, શુક્રવાર માટે ચણા ચાટ/મિક્ષ કઠોળ ચાટ (સીંગદાણા સહિત) આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં ડાંગ જિલ્લામાં આવેલ કુલ 377 પી.એમ.પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં તા.11/12/2024 ને બુધવારના રોજથી “મુખ્યમંત્રી પૌષ્ટીક અલ્પાહાર” યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં સરકારી અને ગ્રાંટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાના 2740 વિદ્યાર્થીઓ, ધોરણ 1 થી 5 ના 15215 વિદ્યાર્થીઓ અને ધોરણ 6 થી 8 ના 8265 એમ કુલ 26220 વિદ્યાર્થિઓએ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર” યોજના હેઠળ સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ છે.