ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત જનરલ હોસ્પિટલની તાજેતરમા જિલ્લા કલેક્ટર મહેશ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી. દરમિયાન કલેકટર અહીંના ‘બાલ સંજીવની કેન્દ્ર’ (Nutrition Rehabilitation Center)મા ધસી ગયા હતા. જયા કેન્દ્રમા ઉપલબ્ધ વ્યવસ્થાઓ જાણી બાળક અને માતાઓના પોષણનો તાગ મેળવ્યો હતો. મુલાકાત વેળા કલેક્ટર મહેશ પટેલે માતાઓ સાથે સીધો સંવાદ સાધી, બાળકોના પોષણ વિશેની તેમની સમજનો કયાસ કાઢ્યો હતો. તેમણે ડાંગની યુવાન માતાઓ અને તેમના બાળકો સ્વસ્થ બને તે માટે પોષણયુક્ત આહાર લેવા અંગેના જરૂરી સૂચનો પણ કર્યા હતા. સરકાર દ્વારા મહિલાઓ, બાળકો, દીકરીઓ, કિશોરીઓની સતત ચિંતા કરવામા આવી રહી છે. દરેક લોકો માટે અનેકવિધ યોજનાઓનો અમલ કરવામા આવી રહ્યો છે. ત્યારે, દરેકે તેનો અવશ્ય લાભ લેવો જોઈએ.
તેમ જણાવી પટેલે, આજની દીકરીઓ એ આવતી કાલની માતા છે. ત્યારે તેમણે અગાઉથી જ પોષણયુક્ત આહાર, શિક્ષણ, આરોગ્યપ્રદ અને સ્વચ્છ જીવનશૈલી મળે તેનુ વિશેષ ધ્યાન રાખવાનુ, અને ખાસ કરીને નાની ઉમરે કરાતા લગ્ન રોકવા, અને કાચી ઉમરે માતૃત્વ ધારણ કરવાને લીધે ઉદ્ભવતી કુપોષણ જેવી સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ કેળવવાની હિમાયત કરી હતી. ‘બાળ સંજીવની કેન્દ્ર’ મા બાળકો ઉપરાંત માતાઓ માટે પણ સર્જનાત્મક પ્રવૃત્તિઓ ઉપલબ્ધ થાય તો, તેમને અહીં ગુણવત્તાયુક સમય મળી રહે તે બાબત પ્રત્યે કેન્દ્ર સંચાલકોને લક્ષ કેન્દ્રિત કરવાનુ આહવાન પણ કલેક્ટર મહેશ પટેલે આ વેળા કર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 11મી ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલે “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર” યોજના હેઠળ સરકારી અને ગ્રાંટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટીકાથી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓ માટેની ‘પીએમ પોષણ યોજના’નો શુભારંભ કરાવ્યો હતો. જેની પૃષ્ઠભૂમિનો ખ્યાલ આપતા, આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા મેનુ મુજબ વિદ્યાર્થીઓને સોમવાર, બુધવાર અને શનિવારે ખાંડેલા સીંગદાણા સહિતની ઘઉં અથવા નાગલીની સુખડી, અને મંગળવાર, ગુરુવાર, તથા શુક્રવાર માટે ચણા ચાટ/મિક્ષ કઠોળ ચાટ (સીંગદાણા સહિત) આપવાનું નક્કી કરવામા આવ્યુ છે તેમ જણાવ્યુ હતુ. ડાંગ જિલ્લામા પી.એમ.પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ કુલ 377 જેટલી શાળાઓમા ગત તા.11/12/2024ને બુધવારના રોજથી “મુખ્યમંત્રી પૌષ્ટીક અલ્પાહાર” યોજનાનો શુભારંભ કરવામા આવ્યો છે. જેમા સરકારી અને ગ્રાંટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાના 2 હજાર 740 વિદ્યાર્થીઓ, ધોરણ 1 થી 5 ના 15 હજાર 215 વિદ્યાર્થીઓ, અને ધોરણ 6 થી 8 ના 8 હજાર 265 એમ કુલ 26 હજાર 220 વિદ્યાર્થિઓને “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” હેઠળ સરકાર દ્વારા નિયત કરવામા આવેલ પૌષ્ટિક આહાર આપવામા આવી રહ્યો છે.