- વઘઇ ખાતે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક યોજાઇ
ડાંગ જિલ્લાના વઘઇ સ્થિત તાલુકા સેવા સદન ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુવરજી હળપતિના અધ્યસ્થાને યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમા, સને 2024/25ના ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની રૂ.1374.79ની સંભવિત જોગવાઈ સામે, રૂ.1744.64ના ખર્ચે હાથ ધરાનારા 384 કામોના કુલ આયોજનને મંજૂરી આપવામા આવી હતી. આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુવરજી હળપતિએ, સને 2021/22 થી 2023/24ના મંજૂર થયેલા કામો પૈકી, શરૂ ન થઈ શકેલા કે પ્રગતિ હેઠળના કામોની ભૌતિક અને નાણાકીય સિદ્ધિની સમીક્ષા પણ આ વેળા હાથ ધરી હતી. તેમણે ગત બેઠકની કાર્યવાહી નોંધને પણ આ અવસરે બહાલી આપી હતી.
બેઠકમા જિલ્લા પ્રભારી મંત્રી દ્વારા પાક વ્યવસ્થા, પશુપાલન, ડેરી વિકાસ, મત્સઉધ્યોગ, વન વિકાસ, સહકાર, ગ્રામ વિકાસ, નાની સિંચાઇ, વિસ્તાર વિકાસ, ઉર્જા વિકાસ, ગ્રામ્ય અને લધુ ઉધ્યોગ, માર્ગ અને પુલ, નાગરિક પુરવઠો, સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય, કે.આ.સે. ઓન વોટર સપ્લાઇ, અ.જ.જા અને પ.વ.ક., શ્રમ અને રોજગાર, પોષણ, મધ્યાહન ભોજન જેવા વિભાગોના કામો વિશે ચર્ચા કરવામા આવી હતી. આ સાથે જ મંજુર થયેલ તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવામા આવે તે જરૂરી છે. તેમજ વિવિધ કામોની ગ્રાન્ટ લેપ્સ ના થાય તેની તકેદારી રાખવા પણ મંત્રીએ જણાવ્યું હતું. સાથે જુના કામો પૂર્ણ ન થવાના કારણો જાણી આવા કામો સત્વરે પૂર્ણ કરવા અંગે તાકીદ કરવામા આવી હતી. ડાંગ જિલ્લામા પિવાના પાણીની સમસ્યા હલ કરવા માટે તાપી આધારિત મંજુર થયેલ રૂ. 866 કરોડની યોજનાની કામગીરી અંગે પણ મંત્રીએ સમિક્ષા હાથ ધરી હતી. તેમજ ડાંગ જિલ્લામા જરૂરી જગ્યાએ બોર, કુવા અને નાના ડેમો બનાવવા માટે મંત્રીએ સુચન કર્યું હતું.
આ ઉપરાંત એફ.આર.એની જમીન લોકોને આપવા અંગેની દિશામા કાર્ય કરવા પણ મંત્રીએ સુચન કર્યું હતું. ડાંગ જિલ્લાના લોકો મોટે ભાગે ખતી અને મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોવાથી, પાણી પુરવઠાની રીઝોવિનેશન કામગીરીમા 10 ટકા લોક ફાળો દુર કરવા, વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજય પટેલે બેઠકમા રજુઆત કરી હતી. બેઠકમાં સમિતિ સભ્યો સર્વ ગોવિંદ પટેલે, દશરથ પવારે પણ ઉપસ્થિત રહી, પૂરક વિગતો રજૂ કરી હતી. જિલ્લા વહીવટી તંત્રના વડા ડાંગ કલેક્ટર મહેશ પટેલે પ્રભારી મંત્રી તરફથી મળેલ સૂચન મુજબ, જિલ્લાના સૌ અમલીકરણ અધિકારીઓ કાર્યવાહી પૂર્ણ કરશે તેવી બાંહેધરી આપી હતી. બેઠકની કાર્યવાહી પ્રાયોજના વહીવટદાર રાજ સુથારે સંભાળી હતી. આ બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળા ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદર ગાવિત, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ રવિના ગાવિત સહિત સહિત જિલ્લાના ઉચ્ચ વરિસ્ઠ અધિકારીઓ, જુદી જુદી કચેરીઓના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.