વૃધ્ધા સીડી પરથી પડી જતા મોત નીપજ્યાનું જાહેર કર્યા બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં હત્યા થયાનું ખુલતા માતા-પુત્રી સામે નોંધાતો ગુનો
જેતપુરના અમરનગર રોડ પર આવેલા અમીધારા એપાર્ટમેન્ટની વૃધ્ધાનું બે દિવસ પહેલાં થયેલા મોત અંગે પોલીસે ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવતા વૃધ્ધાની હત્યા થયાનો તબીબોએ અભિપ્રાય આપતા પોલીસે મૃતકની પુત્રવધૂ અને પૌત્રી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના અમરનગર રોડ પર આવેલા અમીધારા કોમ્પ્લેક્ષમાં રહેતી રતનબેન અશોકભાઇ જલુ નામના ૬૨ વર્ષના આહિર વૃધ્ધાને ગત તા.૨૭મી ડિસેમ્બરે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે તેણીનું મોત નીપજ્યાનું જણાવ્યું હતું.
જેતપુર સિટી પી.આઇ. વી.આર.વાણીયા સહિતના સ્ટાફે મૃતકના પરિવારની પૂછપરછ કરતા રતનબેન સીડી પરથી પડી જતા ઇજા થતા મોત નીપજ્યાનું જણાવ્યું હતું. રતનબેનને થયેલી ઇજા તિક્ષ્મ હથિયાર અને બોથર્ડ પદાર્થના કારણે થઇ હોવાનું પ્રથમ નજરે જણાતા મૃતકનું રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવતા તેણીની હત્યા થયાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મૃતક રતનબેનના પુત્રવધૂ રેખાબેન કનુભાઇ અને પૌત્રી હેતલબેન કનુભાઇ જલુએ ઘર કંકાસના કારણે હત્યા કર્યાનું બહાર આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે રહેતી મૃતકની રતનબેનની પુત્રી વર્ષાબેન મુકેશભાઇ જાદવે પોતાની માતાની હત્યા રેખાબેન અને તેની પુત્ર હેતલે કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.