- શિસ્તની દુહાઇ દેતા ભાજપમાં વિરોધ ફાટી નિકળતાં
- પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રમુખોના નામ ફાઇનલ કરી યાદી કેન્દ્રીય મંત્રી અમિત શાહને સોંપી દીધી હોવાની ચર્ચા: અધ્યક્ષોના નામ હજુ 72 કલાક સુધી જાહેર ન કરાય તેવી સંભાવના
- દિલ્હી દરબારમાં દાવેદારોના નામોની યાદી સોંપી સંગઠન ચૂંટણી અધિકારી ઉદય કાનગડ, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ અને સહ ચૂંટણી અધિકારી ધવલ દવેએ ગોકુલ-મથુરાની યાત્રાએ ઉપડી ગયા: ભારે સસ્પેન્સ
જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની પસંદગી કરવા માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાની જે નવી પધ્ધતિ ભાજપ દ્વારા અપનાવવામાં આવી છે. તેનાથી રાજ્યભરમાં વિવાદનું વાવેતર થયું છે. શિસ્તની દુહાઇ દેતા ભાજપમાં હાલ જૂથવાદ લબકારા મારી રહ્યો છે. અધ્યક્ષની ખુરશી મેળવવા માટે છેક દિલ્હી સુધી જોરદાર લોબિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે નામો ફાઇનલ થતા નથી. પ્રમુખ પદ માટેનું કોકડું એવું ગુંચવાયું છે કે ખૂદ પાટીલે પણ હાથ ઉંચા કરી દઇ નામો ફાઇનલ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ યાદી મૂકી દીધું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હજુ 72 કલાક સુધી પ્રમુખના નામ જાહેર કરવામાં આવે તેવી કોઇ જ શક્યતા હાલના સંજોગો જોતા લાગતી નથી.
જિલ્લા અને મહાનગરોના પ્રમુખની વરણી માટે ભાજપે ગત શનિવારે ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા. જેમાં મોટાભાગના જિલ્લાઓ અને મહાનગરોમાં 30 થી લઇ 50 સુધી દાવેદારોએ પ્રમુખ પદ મેળવવા માટેની દાવેદારી કરી છે. જેના કારણે અત્યાર સુધી માત્ર જે જૂથવાદની મૌખિક ચર્ચાઓ થતી હતી તે અખબારો સુધી પહોંચી ગઇ છે. પ્રમુખ પદ મેળવવા માટે પ્રદેશમાં લોબિંગ કરીશું તો મેળ પડશે નહિં. તેવું લાગતા કેટલાક જિલ્લા અને મહાનગરોમાં વર્તમાન પ્રમુખોએ ફરી રિપીટ થવા માટે અને પ્રબળ દાવેદારોએ અધ્યક્ષની ખુરશી કોઇપણ ભોગે મેળવવા માટે છેક દિલ્હી સુધી લાગવગના દોરડા લાંબા કર્યા છે. ગઇકાલે બપોરે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન ચૂંટણી અધિકારી ઉદય કાનગડ, સહ ચૂંટણી અધિકારી ધવલ દવે અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલને મળ્યા હતા. તેઓએ તમામ 33 જિલ્લા અને આઠ મહાનગરો માટે પ્રમુખ પદ માટે જે લોકોએ દાવેદારી કરી છે. તેઓના નામની યાદી રજૂ કરી દીધી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખે તેઓનો સામાન્ય મંતવ્ય જાણ્યું હતું. અન્ય કોઇપણ પ્રકારની ચર્ચા કરી ન હતી. પોતાને સોંપવામાં આવેલી જવાબદારી પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી, સહ ચૂંટણી અધિકારી અને પ્રદેશ ભાજપ મહામંત્રી ત્રણેય ગોકુલ મથુરાની યાત્રાએ ઉપડી ગયા હતા અને સોશિયલ મીડિયા પર ફોટા અને વિડીયો અપલોડ કરતા હતા. જેનાથી કાર્યકરોમાં એક ચર્ચા થવા માંડી હતી કે સંગઠન ચૂંટણી અધિકારી ઉદય કાનગડ પોતાનું ધાર્યું કામ કરાવવામાં સફળ રહ્યા છે. બીજી તરફ સી.આર.પાટીલે 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખોના નામ લગભગ ફાઇનલ કરી લીધા છે અને તેઓએ આ યાદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સોંપી દીધી હોવાની ચર્ચા ભાજપમાં ચાલી રહી છે.
કાર્યશાળા દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે એવું નિવેદન આપ્યું હતું કે 10મી જાન્યુઆરી સુધીમાં જિલ્લા અને મહાનગરોના પ્રમુખની નિયુક્તી કરી દેવામાં આવશે. પરંતુ જે રિતે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભાજપના આગેવાનોમાં પ્રમુખ પદ માટે અંદરો-અંદરની લડાઇ જામી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આવતીકાલે નામો જાહેર થાય તેવી સંભાવના ખૂબ જ નહિંવત છે. રવિવાર સાંજ સુધીમાં ગમે ત્યારે નામોની જાહેરાત કરી દેવામાં આવશે.
સામાન્ય રીતે કેન્દ્રીય નેતૃત્વ જિલ્લા અને મહાનગરોના અધ્યક્ષની વરણીમાં પડતા હોતા નથી. પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવામાં આવતો હોય છે. પરંતુ વિવાદ વકરતા હવે મામલો ખૂદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના હાથમાં લઇ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે હવે કોઇપણ નામ પ્રમુખ તરીકે જાહેર થઇ શકે છે. બીજી તરફ પક્ષના બંધારણ મુજબ 50 ટકા જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખની નિયુક્તી કર્યા બાદ જ પ્રદેશ પ્રમુખની નિયુક્તી કરવામાં આવતી હોય છે. આવામાં પ્રદેશ પ્રમુખની નિમણુંક પહેલા 22 જેટલા જિલ્લા કે મહાનગરોના પ્રમુખોના નામ જાહેર થઇ જવાની સંભાવના દેખાઇ રહી છે. રાજકોટ સહિત અનેક જિલ્લા અને મહાનગરોના પ્રમુખ પદને લઇ જબ્બરી ખેંચતાણ ચાલી રહી હોય બની શકે છે કે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરાયા બાદ જ્યાં ખેંચતાણ ચાલી રહી છે તેવા જિલ્લા અને મહાનગરોના પ્રમુખના નામ જાહેર કરવામાં આવે.