જામનગરની મધ્યમાં આવેલા મ્યુનિ. ટાઉનહોલ ને રીનોવેશન કરાયા બાદ સંપૂર્ણપણે સજજ બન્યો છે, અને અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, સુંદર સ્ટેજ વ્યવસ્થા અને લાઇટિંગ- બેઠક વ્યવસ્થા સાથે ના તૈયાર થઈ ગયેલા ટાઉનહોલ ની આજે મ્યુનિ. કમિશનર તથા અન્ય અધિકારીઓએ મુલાકાત લીધી હતી, અને નજીકના ભવિષ્યમાં જ લોકોના મનોરંજન માટે ટાઉનહોલ ને ખુલ્લો મુકવામાં આવશે, અને નગરજનો ફરીથી રંગારંગ કાર્યક્રમ માણી શકાશે.
જામનગર શહેરની મધ્યમાં આવેલ જામનગર મ્યુનિસિપલ ટાઉનહોલ રીનોવેશનની સમય મર્યાદા પૂરી થતાં આજરોજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા અન્ય અધિકારીઓની સાથે ટાઉનહોલની મુલાકાત લેવામાં આવી હતી, અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ટાઉનહોલનું રેસ્ટોરેશન કામ ચાલતું હોય તેને પગલે ટાઉનહોલ બંધ રાખવામાં આવ્યો હતો.પરંતુ હવે ટાઉનહોલનું રિનોવેશન કામ પૂર્ણ થવાના આરે છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વહેલી તકે ટાઉનહોલ નગરજનો માટે ખુલ્લો મુકવામાં આવશે તેમ જણાંવ્યું છે.
આવનાર દિવસોમાં અનેક પ્રકારના વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક અને દેશભક્તિને અનુરૂપ કાર્યક્રમો ટાઉનહોલના સ્ટેજ ઉપર આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ સાથે નિહાળી શકાશે.
અહેવાલ: સાગર સંઘાણી