- મોસમનું સૌથી વધુ નીચું 12.5 ડિગ્રી તાપમાન નોંધાતાં શીત લહેર
- પ્રતિ કલાકના 30 થી 35 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલો પવન ફૂંકતા ઠુંઠવાયુ જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે, અને કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે ઠંડીનો પારો નીચે ગગડીને 12.6 ડિગ્રીએ સ્થિર થતાં શીતલહેર પ્રસરી ગઈ હતી, અને મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો છે.
છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો થયો છે, અને ઠંડીનું જોર વધ્યું છે. સાથે સાથે બરફીલા ઠંડા પવન ના કારણે ધ્રુજારી અનુભવાઈ રહી છે. વહેલી સાંજથીજ ઠંડો પણ ફૂંકાતો હોવાના કારણે રાત્રિના સમયે લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળે છે. અને મોટાભાગે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાઈને નીકળેલા જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો દ્વારા તાપણાંનો આશરો પણ લેવામાં આવી રહ્યો છે. ઠંડીના કારણે તાપમાનનું પ્રમાણ નીચું આવતા લોકો વહેલી સવારે કસરત કરવા, દોડવા વગેરે જેવી પ્રવૃતિઓ કરતા જોવા મળ્યા છે. શિયાળામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તાજી લીલી શાકભાજી, ફળ, ચીકી વગેરે જેવું બજારમાં જોવા મળી રહ્યું છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58 ટકા, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30 થી 35 કિ.મી.ની ઝડપે રહી હતી. હવામાન ખાતા દ્વારા હજુ પણ ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.
અહેવાલ: સાગર સંઘાણી