- ત્રણ વ્યાજખોરોએ 10 ટકા રાક્ષસી વ્યાજ વસૂલ્યા પછી વધુ નાણાં પડાવવા મુઢ માર માર્યો
- વચ્ચે છોડાવવા પડેલા રેકડી ધારક ના વૃદ્ધ માતા પિતાને પણ ત્રણેય શખ્સોએ મારકુટ કર્યાની ફરિયાદ
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ગાંઠિયા ની રેકડી ચલાવતા એક રેકડી ધારક ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા છે. જેને 1 મહિના સુધી 10 ટકા જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવ્યા પછી ત્રણેય વ્યાજખોરોએ વધુ નાણા પડાવવા માટે તેમજ છોડાવવા માટે વચ્ચે પડેલા તેના વૃદ્ધ માતા પિતાને પણ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને પહેલા ઢાળિયા પાસે ગાંઠિયા ની રેકડી ચલાવતા ભરતભાઈ હસમુખભાઈ રાયઠઠા નામના 43 વર્ષના રેકડી ધારકે પોતાની પાસેથી 10 ટકા જેવું રાક્ષસી વ્યાજ વસુલી મારકૂટ કરવા અંગે જામનગરમાં મયુર ગ્રીન્સ વિસ્તારમાં ફાઇનાન્સ ની ઓફિસ ધરાવતા મહાવીરસિંહ દેવાજી જાડેજા અને તેની હાથે હાજર રહેલા મયુરસિંહ તેમજ અજાણ્યા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભરતભાઈ એ પોતાની જરૂરિયાત માટે આજથી દસ મહિના પહેલાં મહાવીર સિંહ જાડેજા પાસેથી 30,000 રૂપિયા માસિક 10 ટકા ના વ્યાજે લીધા હતા, જેનું દર મહિને વ્યાજ ચૂકવતા હતા. ઉપરાંત જો હપ્તો ચૂકવવામાં થોડું પણ મોડું થાય તો તેની પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી હતી. હાલમાં વ્યાજખોરોએ પોતાની ઓફિસમાં બોલાવી લઇ પોતાની મૂળ રકમ તાત્કાલિક પરત માંગતા પોતાની રેકડી ઘારકે હાલ પોતાની પાસે કોઈ રકમ ન હોવાથી વ્યાજ ચૂકવી આપીશ તેમ જણાવતાં સૌપ્રથમ મોબાઈલ અને એકટીવા આંચકી લીધા હતા.
તેથી ભરતભાઈએ પોતાના માતા મંજુલાબેન તથા પિતા હસમુખભાઈ ને પણ તેઓની ઓફિસમાં બોલાવી લીધા હતા. જે વૃદ્ધ માતા પિતા પુત્રને મદદ માટે આવ્યા હતા. દરમિયાન ત્રણેય લોકોએ તેઓને પણ મારકુટ કરી લીધી હતી, અને માતા મંજુલાબેન નો મોબાઇલ ફોન પણ વ્યાજખોરોએ આંચકી લીધો હતો.
તે સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયા બાદ દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીના પી.એસ.આઇ એમ કે બ્લોચ અને તેમના રાઈટર જયેશભાઈએ ત્રણેય વ્યાજખોરો સામે ગેરકાયદે નાણા ધીરધાર સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.