૧૧ વર્ષ પહેલા ગમખ્વાર ઘટનામાં ૭૨ લોકોના મોત નિપજયા’તા: જયપુર કોર્ટે ફટકારી સજા
જયપુરમાં વર્ષ ૨૦૦૮ના મે મહિનામાં થયેલા સીરીયલ બ્લાસ્ટમાં સંડોવણી બદલ દોષીત ઠરેલા ચાર આરોપીઓને રાજસ્થાનની અદાલતે ફાંસીની સજા ફટકારી હતી. આ કેસમાં એક આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો. આ ગમખ્વાર શ્રેણીબદ્ધ ધડાકામાં ૭૨ લોકોના મૃત્યુ નિપજયા હતા.
મળતી વિગતો મુજબ ઈન્ડિયન મુઝાહુદ્દીન દ્વારા આતંકી હુમલાનું કાવતરુ ઘડી કાઢવામાં આવ્યું હતું. જયપુરમાં તે સમયે ગોઠવાયેલા ૧૦ વિસ્ફોટકો પૈકી ૯ ધડાકા થયા હતા. જેમાં ૨૧૬ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં અદાલતે મોહમદ શેફ, સરવર આઝમી, સલમાન અને શૈફૂર રહેમાનને ફાંસીની સજા ફટકારી હતી. જ્યારે શાહબાજ હુસેનને સબુતોના અભાવે છોડી મુકવામાં આવ્યો હતો.
જયપુર શ્રેણીબદ્ધ બોંબ ધડાકા કાંડના ૩ આરોપી હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. આ ગોઝારી દુર્ઘટનાનું કાવતરું યુપીના આઝમગઢના મોહમદ અતીને ઘડયું હોવાનું જાણવા મળે છે. તે પછી બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં અતીનનું મોત નિપજયું હતું. જયપુરની અદાલતમાં સ્પેશ્યલ જજ અજયકુમાર શર્માએ ગઈકાલે બોંબ ધડાકા મામલે સજા ફટકારી હતી. અહીં નોંધનીય છે કે, ચારેય આરોપીઓને આઈપીસી, પ્રિવેન્શન ઓફ અનલોફુલ, એક્ટિવીટીઝ એકટ, એક્સ્કપલોઝીવ એકટ અને પીડીપીપી એકટની કલમો હેઠળ અદાલતે દોષીત ઠેરવ્યા હતા.
આ બ્લાસ્ટ મામલે માનક ચોક અને કોટવાલી પોલીસ સ્ટેશનમાં કુલ ૮ કેસ નોંધવામાં આવ્યા હતા. એટીએસ દ્વારા આ કેસની તપાસ થઈ હતી અને પાંચ લોકો સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. જયપુરમાં ૧૫ મીનીટમાં વિવિધ સ્થળે ૯ બોંબ બ્લાસ્ટ થયા હતા. આતંકવાદીઓએ હનુમાન મંદિર નજીક ભરચક બજારમાં બોંબ વિસ્ફોટ કર્યા હતા. આ બ્લાસ્ટમાં આરડીએકસના ઉપયોગની આશંકા સેવાઈ રહી હતી.