- ગુજરાત સરકાર, કેન્દ્રના સહયોગથી માર્ચમાં ભારતીય સેમિકન્ડક્ટર્સ અને પેકેજિંગ ઇકોસિસ્ટમ કોન્ફરન્સનું પણ આયોજન કરશે
છેલ્લા બે વર્ષમાં તાઇવાન અને અન્ય પ્રદેશોના મુખ્ય વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ ખેલાડીઓને સફળતાપૂર્વક આકર્ષિત કર્યા પછી, ગુજરાત સરકાર સેમિકન્ડક્ટર અને અન્ય ટેક ક્ષેત્રોમાં વધારાના રોકાણને આકર્ષવા માટે તાઇવાનની રાજધાની તાઇપેઈ શહેરમાં ગુજરાત ડેસ્કની સ્થાપના કરીને તેનું પ્રથમ વિદેશી કાર્યાલય સ્થાપવાની યોજના ધરાવે છે.
ત્યારે સમગ્ર ઘટનાક્રમથી વાકેફ એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વૈશ્વિક કંપનીઓને આકર્ષવામાં પહેલ કરી છે અને મુખ્ય કંપનીઓ પહેલાથી જ એકમો સ્થાપી રહી છે. આ સાથે વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે “અમે એક હેલ્પ ડેસ્ક શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ જે તાઇવાનની કંપનીઓને તેમની ભાષામાં મદદ કરી શકે અને ગુજરાતમાં તેમના સંચાલન માટે વિવિધ સ્તરોની સહાય પૂરી પાડી શકે. તાઇપેઈ શહેરમાં કેન્દ્રનું સંચાલન ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. ભારતની બહાર આ ગુજરાત સરકારનું પ્રથમ કાર્યાલય હશે,”
આ અંગે સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર,”તાઇવાન સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વિશ્વભરમાં અગ્રણી છે. રાજ્ય સરકારે તાઇવાનની સેમિકન્ડક્ટર કંપનીઓ અને તાઇવાન સ્થિત વૈશ્વિક કંપનીઓ દ્વારા ગુજરાતમાં નવા રોકાણોને સરળ બનાવવા માટે તાઇપેઈમાં તેનું પ્રથમ વૈશ્વિક કાર્યાલય સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે,”
આ સાથે આ અંગે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલી પાંચ સેમિકન્ડક્ટર સુવિધાઓમાંથી, ગુજરાતમાં ચાર પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. જીઆઇડીસી સાણંદમાં માઇક્રોન ટેકનોલોજી ઇન્ક, સીજી સેમી અને કેનેસ સેમિકોન દ્વારા મુખ્ય પ્રોજેક્ટ્સ સાથે એક ચિપ પેકેજિંગ ક્લસ્ટર વિકસાવવામાં આવી રહ્યું છે. વધુમાં, ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ધોલેરા SIR માં ભારતનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તેમજ ગુજરાત સરકાર, કેન્દ્રના સહયોગથી માર્ચમાં ભારતીય સેમિકન્ડક્ટર્સ અને પેકેજિંગ ઇકોસિસ્ટમ કોન્ફરન્સનું પણ આયોજન કરશે.