- અરજદારોની વ્યકિતગત ફરિયાદોનો હકારાત્મક અભિગમ થકી ઉકેલ લાવતા કલેક્ટર
ગીર સોમનાથ: જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ, કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી અરજદારોની વ્યકિતગત ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરાયો હતો.
સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, સીંગસર ગામે સ્વચ્છતા, ગૌચરનું દબાણ, ગ્રામ પંચાયત માલિકીના હરાજીના પ્લોટની જગ્યા ખુલ્લી કરવા બાબત, વય નિવૃત્તિ બાદ હક્ક રજાનું રોકડમાં રૂપાંતર, ગેરકાયદેસર દબાણ, પીછવી ગામે જાહેર રસ્તામાં દબાણ અને ગંદકી દૂર કરવા બાબતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી. અરજદારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરી આઠથી વધુ પ્રશ્નોના જિલ્લા કલેકટરએ સ્થળ પર જ નિર્ણય કરી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપી અને ત્વરિત નિકાલ કરવામાં આવ્યાં હતાં.
જિલ્લા કલેકટરએ તમામ અરજદારોની સમસ્યા સાંભળી નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવા અધિકારીઓને સૂચન પણ કર્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પુરવઠા અધિકારી પારસ વાંદા, મુખ્ય આરોગ્ય અધિકારી અરૂણ રોય, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કોટેચા