- ઈંટ બનાવવાનું કારખાનું, ત્રણ રિસોર્ટ, પાંચ ગોળ બનાવવાના રાબડા, બે ઘાસ ભરવાના ગોડાઉન અને છ સાદા ગોડાઉન દૂર કરાયા
- હિરણ નદીને કાંઠે વૃદ્ધશ્રમના નામે કરેલા દબાણને પણ દૂર કરાયું
ગીર સોમનાથ: જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આજરોજ તાલાલા તાલુકાના બોરવાવ ગામે આશરે 150 હેક્ટર ગૌચર અને સરકારી પડતર જમીન ખુલ્લી કરાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પડતર જમીનની અંદર 130 જેટલા આસામીઓ દ્વારા અનઅધિકૃત રીતે દબાણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરની હાજરીમાં જ તબેલાની ભેંસોને ગૌચરમાં દબાણ કરી બેસેલા ખેતરમાં ખૂલ્લી છોડી દેવામાં આવી હતી.
તદુપરાંત, કલેક્ટર દ્વારા હિરણ નદીના કિનારે ચેકડેમ પાસે બિન નંબરી સરકારી સર્વે નંબરમાં વૃદ્ધાશ્રમના નામે બિનઅધિકૃત રીતે બનાવેલ બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે કલેક્ટરની સૂચના અનુસાર પાંચ ટીમોનું આયોજન કરી રેવન્યૂ વિભાગ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, એસીએફ ફોરેસ્ટ, પોલીસ વિભાગ, પીજીવીસીએલ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ- કર્મચારીઓના સંકલનથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત, ઈંટ બનાવવાનું કારખાનું, ત્રણ રિસોર્ટ, પાંચ ગોળ બનાવવાના રાબડા, બે ઘાસ ભરવાના ગોડાઉન, છ સાદા ગોડાઉન સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, કલેક્ટર દ્વારા બોરવાવ આંગણવાડીની મુલાકાત પણ લેવામાં આવી હતી. ત્યારે અહી ઉલ્લેખનીય છે કે, આ આંગણવાડીમાં કલેક્ટરની ગ્રાન્ટમાંથી બ્લોક નાંખવામાં આવેલ છે, જેનું પણ કલેક્ટરએ નિરીક્ષણ કર્યું હતું
અતુલ કોટેચા