- વિકાસ કાર્યો પૂર્ણ કરવા પ્રભારી મંત્રી દ્વારા માર્ગદર્શન અપાયું
- વિવિધ પ્રશ્નો અંગે કરાઈ રજૂઆત
- જનપ્રતિનિધિઓની રજૂઆતો સંદર્ભે ઝડપી અને સુનિયોજિત રીતે વિકાસ કાર્યો પૂર્ણ કરવા માર્ગદર્શિત કરતા પ્રભારી મંત્રી
ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિકાસકાર્યો સંદર્ભે કોડિનાર ખાતે પ્રભારી મંત્રી પરષોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જનપ્રતિનિધિઓની રજૂઆતો સંદર્ભે ઝડપી અને સુનિયોજિત રીતે વિકાસ કાર્યો પૂર્ણ કરવા પ્રભારી મંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રભારીમંત્રી સમક્ષ જનપ્રતિનિધિઓએ નગરપાલિકાના શહેરી વિકાસ વિભાગને લગત મુદ્દાઓ, કોડિનાર શહેરના મુખ્ય રસ્તાઓમાં રિસરફેસિંગ અને સમારકામની જરૂરિયાત અંગે, આંતર માળખાકીય સુવિધાઓ, નગરપાલિકા અંતર્ગત બ્યુટીફિકેશનના કામો, રખડતા ઢોર, ઢોરના ડબ્બો બનાવવા સહીતના મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી. તેમજ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમયમર્યાદામાં પૂર્ણ કરવા બાબતે સૂચન કરવામાં આવ્યું હતું.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગીર સોમનાથ જિલ્લાના પ્રભારીમંત્રી પરસોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં કોડિનાર વિશ્રામગૃહ ખાતે નગરપાલિકાઓના વિકાસકાર્યો અને જિલ્લાના બાકી રહેલા વિવિધ કામો અંગે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
પ્રભારીમંત્રીએ સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી જનકલ્યાણલક્ષી કામો અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને જનપ્રતિનિધિઓની રજૂઆતો સંદર્ભે ઝડપી અને સુનિયોજિત રીતે વિકાસ કાર્યો પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
પ્રભારીમંત્રી સમક્ષ જનપ્રતિનિધિઓએ નગરપાલિકાના શહેરી વિકાસ વિભાગને લગત મુદ્દાઓ, કોડિનાર શહેરના મુખ્ય રસ્તાઓમાં રિસરફેસિંગ અને સમારકામની જરૂરિયાત અંગે, આંતર માળખાકીય સુવિધાઓ, નગરપાલિકા અંતર્ગત બ્યુટીફિકેશનના કામો, રખડતા ઢોર અને પશુઓના કારણે થતી મુશ્કેલીના નિવારણ માટે શહેરની આસપાસની ખુલ્લી જગ્યામાં કેટલ પોન્ડ (ઢોરનો ડબ્બો) બનાવવા, વડનગર અને રોણાજ ચોકડી પાસે અકસ્માતો ઘટાડવા માટે ડિવાઈડર, રિફ્લેકટર મૂકવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી.
જનપ્રતિનિધિઓની તમામ રજૂઆતોને લક્ષમાં લઈ અને સત્વરે તમામ મુદ્દાઓનું સુનિયોજિત રીતે નિરાકરણ આવે તે દિશામાં કામો હાથ ધરવા અંગે પ્રભારીમંત્રીશ્રીએ માર્ગદર્શિત કર્યા હતાં. વધુમાં પ્રભારી મંત્રીએ રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમયમર્યાદામાં પૂર્ણ કરવા બાબતે સૂચન કર્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, એ.પી.એમ.સી ચેરમેન સુભાષ ડોડિયા, અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા, જિલ્લા આયોજન અધિકારી જે.સી.ઠાકોર, કોડિનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, અગ્રણી સર્વ એમ.એમ.મેર, ધના ભાલિયા, રમેશ બામણિયા, ભગુભાઈ પરમાર સહિત નગરપાલિકા, માર્ગ અને મકાન, પી.જી.વી.સી.એલ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કોટેચા