સમર કેમ્પમાં હોકી, ફુટબોલ, બાસ્કેટ બોલ અને લોન ટેનિસની તાલીમ અપાશે: ૬ થી ૧૮ વર્ષની વયના બાળકોને પ્રવેશ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં ખેલાડીઓ, વિદ્યાર્થીઓ રાજકોટ મહાનગરપાલિકાની શ્રેષ્ઠતમ રમતગમત સુવિધાઓનો લાભ લઈ શકે. રમતગમત પ્રવૃતિઓ પ્રત્યે આકર્ષાય અને રમતગમત પ્રવૃતિમાં રૂચી લેતા થાય તે હેતુથી રેસકોર્સ સંકુલમાં આવેલ વિવિધ સ્પોર્ટસ ફેસેલિટી ખાતે તા.૨૫ એપ્રીલથી તા.૨૪ મે સુધી સમર કેમ્પ યોજાનાર છે તેમ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
આ સમર કેમ્પમાં હોકી, ફુટબોલ, બાસ્કેટ બોલ, લોન ટેનીસની રમતનો સમાવેશ થાય છે. આ સમર કેમ્પમાં ખેલાડીઓને રમતની શ્રેષ્ઠ તાલીમ આપવામાં આવશે. જેમાં ગેમની વિવિધ ટેકનીકસ શીખવવામાં આવશે. તેમજ ફીઝીયોથેરાપીસ્ટ તથા ન્યુટરીશીયન એકસપર્ટના માર્ગદર્શન સેશન્સનો પણ તેમાં સમાવેશ થાય છે. આ સમર કેમ્પનાં ફોર્મ તા.૧૮ થી તા.૨૪ એપ્રીલ દરમ્યાન વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ ખાતેથી જાહેર રજાના દિવસો સિવાય ઓફિસ અવર્સ દરમિયાન વિનામુલ્યે મેળવી શકાશે. તેમજ આ ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
જરૂરી આધાર પુરાવા સાથેના ભરેલ ફોર્મ નિયત ફી સાથે તા.૧૮ થી તા.૨૪ એપ્રીલ દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય ઓફિસ અવર્સ દરમિયાન, શ્રી વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે જમા કરાવવાના રહેશે. આ સમર કેમ્પમાં બેચ દીઠ મર્યાદિત ખેલાડીઓને વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ સમર કેમ્પમાં ૬ વર્ષથી ૧૮ વર્ષની વયના બાળકોને પ્રવેશ આપવામાં આવશે.