૪ બસ મથકો અને ૫ આરટીઓ કચેરીનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી: વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યમંત્રી ઈશ્ર્વરસિંહ પટેલની ખાસ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂરૂપાણીએ રાજ્યમાં ૯ કરોડ ૮૦ લાખના ખર્ચે નવા બનેલા ૪ બસ મથકોનો ઇ-લોકાર્પણ તેમજ ૨૮ કરોડ ૧૫ લાખના ખર્ચે તૈયાર થયેલી ૫ આર. ટી.ઓ કચેરીઓના પણ લોકાર્પણ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યા હતા.
તેમણે આ અવસરે કહ્યું કે કોરોના સંક્રમણ સામે પૂરતી તકેદારી સાથે આપણે હવે જીવન વ્યવહાર રાબેતા મુજબ થાય તે દિશામાં હવે આપણે વિકાસની રફતાર વેગવંતી બનાવી છે. કોરોનામાં ફિઝીકલ નહિ ડિજિટલ લોકાર્પણ કર્યા છે અને કોરોના સંક્રમણ છતાં ગુજરાતની વિકાસ યાત્રા રોકાશે નહિ કે ઝૂકશે પણ નહિ તેવી પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ તેમજ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આ લોકાર્પણ સંપન્ન કર્યા હતા.
મુખ્ય મંત્રીશ્રીએ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજ્યના લોકોની સેવામાં દિવસ રાત સતત સેવારત છે અને કુદરતી વિપદા પુર વાવાઝોડા કે કોરોના જેવી મહામારીમાં પણ પ્રજા જનોની સેવામાં ખડેપગે રહ્યું છે તેની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ કોરોના મહામારીમાં પોતાની જાત ને જોખમ માં મૂકીને પણ ગુજરાત માંથી અન્ય રાજ્યોમાં શ્રમિકોને સલામત પહોંચાડવા અને અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને પણ સહી સલામત ગુજરાત લાવવા માટે એસટી નિગમના કર્મયોગી પરિવારને અભિનંદન આપ્યા હતા. તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે, વાહન વ્યવહાર વિભાગમાં અદ્યતન ટેકનોલોજીના વિનિયોગથી પારદર્શી અને ઝડપી સેવાઓ આપવામાં ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે.
વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં જાહેર જનતાની સેવાઓ માટેના પ્રકલ્પો બસ મથકો વગેરેના જેના ખાતમુહૂર્ત અમારા હાથે થાય તેના લોકાર્પણ પણ અમે જ કરીએ તેવી ઝડપી અને પારદર્શી કાર્ય
સંસ્કૃતિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સરકારે વિકસાવી છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી સ્પષ્ટ કહ્યું કે, એસ ટી નિગમ લોકોની સેવાનું માધ્યમ છે નફા નુકશાનની ચિંતા કર્યા વગર રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારોને પણ એસટીની સરળ અને સસ્તી સેવા મળે તે માટે સંકલ્પ બદ્ધ છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં જનતા જનાર્દનની સેવામાં પર્યાવરણ પ્રિય એવી વધુ નવિન ઇ બસો મૂકવાની નેમ પણ વ્યક્ત કરી હતી. આજે લોકાર્પણ થયેલા બસ મથકોમાં ગાંધીનગરના માણસા બનાસકાંઠાના લાખણી છોટાઉદેપુરના સંખેડા અને તાપી જિલ્લાના કુકર મુંડાના બસ મથકો તેમજ જામનગર. દેવભૂમિ દ્વારકા.ગીર સોમનાથ. છોટાઉદેપુર અને આણંદની આરટીઓ કચેરીઓ અને એઆરટીઓ કચેરીઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ રાજ્યના દૂર દરાજ અને અંતરિયાળ વિસ્તારમાં આજથી કાર્યરત થયેલા બસ મથકો અને આરટીઓ કચેરીઓ થી લોકો ને ઘર આંગણે સારી સેવાઓ અને વાહન વ્યવહાર સગવડો મળશે અને સમ્યક વિકાસની નેમ પાર પડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. નવ નિર્મિત બસ મથકો અને આરટીઓ કચેરીઓ ખાતે પણ તે વિસ્તારના જન પ્રતિનિધિઓ સંસદ સભ્યો સ્થાનિક અગ્રણીઓ અને કર્મયોગી ભાઈઓ બહેનો સોશીયલ દિસ્તંસિંગના અનુપાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.