રાજકોટ શહેર અને જિલ્લાના સંગઠનની સ્થિતિ કોમામાં સરકી પડેલા માણસ જેવી: કાર્યકારી પ્રમુખ પોતાનું ‘વજન’ વધારવામાં મશગુલ: બિનઅનુભવી પ્રદેશ પ્રમુખ જુથવાદને નાબુદ કરવાની ડાહ્યી ડમરી વાતો કરે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સતાસુખ હાંસલ કરવાનું કોંગ્રેસનું સપનું ભલે સાકાર ન થયું પરંતુ રાજયમાં જે રીતના ચુંટણી પરીણામો આવ્યા તેનાથી ફરી દેશમાં કોંગ્રેસને ઉભી થવા માટે પ્રેરકબળ ચોકકસ મળ્યું છે. નવનિયુકત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસને ફરી દેશભરમાં જીવંત કરવા માટે કારી મજુરી કરી રહ્યા છે પરંતુ ગુજરાતમાં અમુક કામણગારા કારીગરો કોંગ્રેસને ફરી કબરમાં પોઠાડી દેવા માટે કારસો રચી રહ્યા છે. રાજયમાં કોંગ્રેસ જાણે ભુવા ભરાડીના હસ્તગત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસનું સંગઠન કોમામાં સરકી પડેલા માણસ જેવું છે તો કાર્યકારી પ્રમુખ પ્રદેશ કક્ષાએ પોતાનું ‘વજન’ વધારવામાં મશગુલ બની ગયા છે. નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ગુજરાતમાં કોંગ્રેસને જુથવાદના દળ-દળમાંથી બહાર કાઢવાની વાતો કરી રહ્યા છે પરંતુ જમીની ચિત્ર કંઈક અલગ જ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા બાદ ગઈકાલે રાજકોટ આવેલા અમિત ચાવડાની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ સંવાદ કાર્યક્રમમાં પણ વિવાદનો મધપુડો છંછેડાયો હતો. કારણકે જિલ્લા કે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને બાદ કરતા સંગઠનના અન્ય કોઈ નેતાઓ કે પૂર્વ હોદેદારો દેખાયા ન હતા. બીજી તરફ વિધાનસભાની ચુંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે કારમી હાર બાદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુનું ચિત ભ્રમ થઈ ગયું હોય તેમ તેઓ ગઈકાલે પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં ચોકકસ આવ્યા હતા પરંતુ તેઓએ મોટાભાગનો સમય પોતાની એસી કારમાં જ વિતાવ્યો હતો. કાર્યકરોને માર્ગદર્શન આપવાના બદલે તેઓ કાર્યકરોથી સતત અળગા રહેતા હતા. પ્રદેશ પ્રમુખનો ઓછો અનુભવ પણ કાર્યકરોને ઉંડીને આંખે વળગયો હતો. સંવાદ કાર્યક્રમમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના માંધાતાઓની ગેરહાજરી કાર્યકરોની રિતસર ખુંચતી હતી. સામાન્ય રીતે કોઈપણ રાજકીય પક્ષ દ્વારા જયારે શહેર અને જિલ્લા માટે પ્રમુખની નિમણુક કરી દેવામાં આવી હોય ત્યારે કોઈ વ્યકિતને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવતા નથી પરંતુ દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસે ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ માટે એક નવો જ ચિલ્લો જ ચાતર્યો હોય તેમ રાજકોટ શહેર અને જિલ્લા પ્રમુખની નિમણુક બાદ તેઓના પર કાર્યકારી પ્રમુખને બેસાડી દીધા છે. હાલ બંને સંગઠનની જવાબદારી કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત નિભાવી રહ્યા છે. તેઓ શહેર કોંગ્રેસને મજબુત કરવાને બદલે પ્રદેશ કક્ષાએ પોતાનું રાજકીય વજન વધારવામાં વધુ વ્યસ્ત હોય તેવું ભાસી રહયું છે.
વર્ષ ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની ચુંટણી અને ત્યારબાદ ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનું જોર ગુજરાતમાં વધ્યું હોવા છતાં નેતાઓ પક્ષને મજબુત કરવાને બદલે વ્યકિતગત તાકાત વધારવામાં વધુ વ્યસ્ત બની ગયા છે. ગુજરાતમાંથી કાયમી ધોરણે કોંગ્રેસનું નામું નખાઈ જાય તેવા પ્રયાસો અમુક નેતાઓ દ્વારા જાણી જોઈને કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખના ખંભે હાથ રાખીને એક આગેવાન નજરે પડયા હતા. પ્રોટોકોલ ભંગ કરતી આ ઘટના બાદ કાર્યકરોમાં પણ એવી ચર્ચા થતી જોવા મળી હતી કે શું પ્રદેશ પ્રમુખ પણ હવે ‘ગાંડા’ના ભરોસે આવી ગયા છે. કોંગ્રેસને મજબુત કરી ફરી સતામાં લાવવા માટે કોઈ કાર્યકર, આગેવાન કે નેતા દ્વારા સનિષ્ઠ પ્રયાસો થતા પક્ષને કાળી ટીલી કેમ લાગે તેવા કામણગારા પ્રયાસો થતા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરીણામ બાદ એવું લાગતું હતું કે, રાજયમાં કોંગ્રેસ હવે સક્ષમ વિરોધ પક્ષની ભુમિકા બજવશે પરંતુ હાલ એવું કશું જ દેખાતું નથી. નવનિયુકત પ્રદેશ પ્રમુખ ગામેગામનો પ્રવાસ કરી એક વાત વારંવાર દોહરાવી રહ્યા છે કે કોંગ્રેસમાં જુથવાદને ડામી બુથવાદ ઉભો કરવામાં આવશે. આ વાત સાબિત કરે છે કે પ્રમુખને એક વાતની ગંધ તો ચોકકસ આવી ગઈ છે કે ગુજરાતમાં કોંગ્રેસ જુથવાદના દળ-દળમાં એટલી હદે ફસાઈ ગયું છે કે તેને આ જુથવાદમાંથી બહાર કાઢવું મુશ્કેલ જ નહીં નામુમ્કીન જેવું લાગી રહ્યું છે.
સામાન્ય રીતે કોઈપણ રાજકીય નેતા કે આગેવાન પક્ષે પોતાને આપેલી જવાબદારી કે ભૂતકાળમાં સોંપેલી કામગીરીની કદર કરી સતત પક્ષને મજબુત કરવા માટે રાત-દિવસ એક કરી લોહી રેડી કાળી મજુરી કરતો હોય છે પરંતુ આ વ્યાખ્યા જાણે કોંગ્રેસના નેતાઓ સાથે બંધ બેસતી ન હોય તેવું લાગી રહ્યું છે. કારણકે એક વખત ખુરશી પરથી ઉતર્યા બાદ હોદેદાર પક્ષને મજબુત કરવાના બદલે હવે મારે શું તેવું કહી પક્ષનું જે થવું હોય તે થાય પોતે શાંતીથી હાથ પર હાથ ધરી બેસી જાય છે તો બીજી તરફ નવનિયુકત હોદેદાર પણ પક્ષને મજબુત કરવાના બદલે પોતાની ખુરશી બચાવવા માટે અને રાજકીય વજન વધારવા માટે સતત વ્યસ્ત બની જતો હોય છે. ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ કંઈક આવી જ છે. અમુક નેતાઓએ જાણે કોંગ્રેસને ફરી કબરમાં પોઠાડી દેવાની સોપારી લીધી હોય તેવું લાગી રહ્યું છે આવા કાલી ટીલીના કામણગારા નેતાઓ પક્ષને મજબુત કરવાને બદલે પોતાની લીટી લાંબી કરવાની કામગીરીમાં મશગુલ બની ગયા છે. જેનો રાજકીય લાભ અન્ય રાજકીય પક્ષો ઉઠાવી રહ્યા છે. ગઈકાલે રાજકોટમાં યોજાયેલો સંવાદ કાર્યક્રમ વાસ્તવમાં કોંગ્રેસ માટે રેડ સિગ્નલ સમાન છે. જો આ કાર્યક્રમમાંથી નવનિયુકત પ્રદેશ પ્રમુખ કંઈ બોધપાઠ લેશે નહીં તો આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી કોંગ્રેસની સ્થિતિ કુપોષીત બાળક જેવી થઈ જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com