- વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે અંદાજે 11 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા ઓનલાઈન કરાશે:શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર
- શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષઓ-સભ્યઓ સાથે બેઠક યોજાઈ
- ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી તેમાં એકસૂત્રતા જળવાય તથા કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી SOP તૈયાર કરાશે
ગાંધીનગરમાં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તા. 23 ડિસેમ્બરના રોજ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષઓ અને સભ્યઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શિક્ષણને લગતી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
હાલમાં અંદાજીત 11 હજારથી વધુ આશરે 91 ટકા સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયાને ઓનલાઈન કરવાની ડો. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયા ઓનલાઈન થવાથી ફી નિયમન સમિતિઓમાં કામગીરી પેપરલેસ, પારદર્શક અને ઝડપી બનશે અને સરકારની ડીઝીટલાઈઝેશનની નેમને વધુ વેગ મળશે.
આ બેઠકમાં ફી નિયમન સમિતિઓના અધ્યક્ષ તથા સભ્યો દ્વારા કરવામાં આવેલ સૂચનો અને રજૂઆતોને અનુલક્ષીને શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી તેમાં એકસૂત્રતા જળવાય તથા કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા SOP – સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર તૈયાર કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને સચિવ, ફી નિયમન સમિતિઓના ચેરમેનઓ-સભ્યો, શિક્ષણ વિભાગના નાયબ સચિવ અને ચીફ કો-ઓર્ડીનેટર હાજર રહ્યા હતા.