- સીરિયાના નૌકાદળને પણ સંપૂર્ણ રીતે જ્યારે બશર અલ-અસદના લશ્કરી ઠેકાણાને 80 ટકા જેટલા નષ્ટ કરી દીધા હોવાનો દાવો
સીરિયામાં તખ્તાપલટ બાદ સતત નવા છમકલાં થઈ રહ્યા છે. દેશનો મોટો હિસ્સો બળવાખોરોના કબજામાં છે. પરંતુ અમેરિકાની સાથે તુર્કીએ પણ સીરિયા સંબંધિત પોતાની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરંતુ ઈઝરાયેલ સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે. સીરિયામાં બશર અલ-અસદની સરકારના પતન બાદ હજારો સીરિયન સૈનિકો ઈરાકની સરહદમાં ઘૂસી ગયા છે. ઈરાકી સુરક્ષા દળો તેને હોસ્ટ કરી રહ્યા છે. સીરિયાને અડીને આવેલા ઈરાકે સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે
સીરિયન આર્મી આઇડીએફનું કહેવું છે કે ઇઝરાયેલે છેલ્લા 48 કલાકમાં સીરિયામાં 480 થી વધુ હુમલા કર્યા છે. સીરિયાના ઘણા શહેરોમાં શસ્ત્રોના ડેપો અને એન્ટી એરક્રાફ્ટ બેટરીના ઉત્પાદન સ્થળો પર ઝડપી હુમલા કરવામાં આવ્યા છે.
ઇઝરાયેલની સેના આઇડીએફનું કહેવું છે કે અમારી વાયુસેનાએ સીરિયાના વ્યૂહાત્મક હથિયારોના સંગ્રહ પર 350 હુમલા કર્યા છે. દમાસ્કસ, હોમ્સ, ટાર્ટસ, લતાકિયા અને પાલમિરામાં એન્ટી એરક્રાફ્ટ બેટરી, મિસાઈલ, ડ્રોન, ફાઈટર જેટ અને ટેન્કનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે ગ્રાઉન્ડ ઓપરેશન હેઠળ વધારાના 130 હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે અમારી સેનાએ સીરિયાના નૌકાદળને પણ સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું છે. સેનાનો અંદાજ છે કે તેઓએ બશર અલ-અસદના 80 ટકા જેટલા લશ્કરી લક્ષ્યોને નષ્ટ કરી દીધા છે. ઈઝરાયેલે આ ઓપરેશનને બાશન એરો નામ આપ્યું છે.
અલ કાયદા સાથે જોડાયેલા સુન્ની વિદ્રોહી જૂથ એચટીએસએ સીરિયા પર નિયંત્રણ મેળવી લીધું છે. બશર રશિયા ભાગી ગયા બાદ ઈઝરાયેલે સીરિયાના સૈન્ય લક્ષ્યાંકો પર હુમલો કર્યો છે. માત્ર હવાઈ હુમલા દ્વારા જ નહીં, ઈઝરાયલી દળો જમીન પર સીરિયાની સરહદમાં પણ પ્રવેશ્યા હતા. 1994ની સમજૂતી બાદ આ પ્રથમ વખત છે જ્યારે ઈઝરાયેલની સેનાએ સીરિયાની ધરતી પર પગ મૂક્યો છે. ઇઝરાયેલની સેનાએ ગોલાન હાઇટ્સ પાસે સીરિયન જમીનના 10 કિલોમીટરની અંદર બફર ઝોન પણ બનાવ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલે સીરિયાના વિસ્તારો પર કબજો કરવાની યોજના બનાવી છે અને તે ટૂંક સમયમાં તેની યોજનાને અંજામ આપવા જઇ રહ્યું છે.
બીજી તરફ, ઉત્તરી સીરિયાના માનબીજ શહેરમાં સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ અને તુર્કિયે સમર્થિત સીરિયન નેશનલ આર્મી વચ્ચે સંઘર્ષ ચાલુ છે. આ સંઘર્ષમાં ત્રણ દિવસમાં 218 લોકોના મોત થયા છે.એસડીએફ કમાન્ડર મઝલૂમ અબ્દીનું કહેવું છે કે યુએસ સમર્થિત કુર્દિશ જૂથ તુર્કી સમર્થિત સુરક્ષા દળો સાથે યુદ્ધવિરામ કરાર માટે સંમત થયા છે. દરમિયાન, ત્રણ મહિના માટે સીરિયાના રખેવાળ વડા પ્રધાન તરીકે નિયુક્ત કરાયેલા મોહમ્મદ અલ બશીરનું કહેવું છે કે દેશમાં સ્થિરતા અને શાંતિ પુન:સ્થાપિત કરવાની જરૂર છે.
સીરિયામાં, કુર્દિશ-પ્રભુત્વવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ પૂર્વી સીરિયાના મોટા ભાગને નિયંત્રિત કરે છે. આ યુએસ સમર્થિત જૂથની સ્થાપના 10 ઓક્ટોબર, 2015ના રોજ કરવામાં આવી હતી. એસડીએફનું કહેવું છે કે તેનો ઉદ્દેશ્ય સીરિયાને બિનસાંપ્રદાયિક, લોકશાહી અને સંઘીય બનાવવાનો છે. એક રીતે, તુર્કીએ એસડીએફનો કટ્ટર વિરોધી છે. તુર્કીનું કહેવું છે કે એસડીએફનો પીકેકે સાથે સીધો સંબંધ છે, જેને તે આતંકવાદી સંગઠન માને છે.
હયાત તહરિર અલ-શામ અને તેના સહયોગી જૂથોના બળવા પછી માત્ર બશર અલ-અસદને જ દેશ છોડવાની ફરજ પડી હતી. આ અલ નુસરા ફ્રન્ટનું વર્તમાન સ્વરૂપ છે. તે ઇદ્રિસ અને અલેપ્પો સહિત દેશના મોટા ભાગોને નિયંત્રિત કરે છે. આ જૂથોને તુર્કીનું સમર્થન છે. હવે મધ્ય સીરિયા પર તેનું સંપૂર્ણ વર્ચસ્વ છે. જે ઉત્તરીય સરહદ પર તુર્કીની સરહદથી દક્ષિણ સરહદે જોર્ડનની સરહદ સુધી વિસ્તરેલ છે.
સીરિયન નેશનલ આર્મી ઉત્તર સીરિયા પર પ્રભુત્વ ધરાવે છે. તે તુર્કી સમર્થિત બળવાખોર જૂથ છે. આ જૂથ 2011ના વિદ્રોહ પછી અસદની સેનાથી અલગ થઈ ગયું હતું. બશર અલ-અસદના સુરક્ષા દળો સામે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં દેશનો મોટો હિસ્સો કબજે છે.
અસદ સમર્થિત અલાવાઈટ દળો મુખ્યત્વે પશ્ચિમ સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે. અલાવાઈટ ફોર્સીસ ઈરાન, ઈરાક અને લેબનોનના હિઝબુલ્લા જૂથ સાથે મજબૂત સંબંધો ધરાવે છે. આ વિસ્તારોને અસદ સમર્થિત જૂથોના ગઢ કહી શકાય. આવી સ્થિતિમાં સીરિયા માટે આગળનો રસ્તો સરળ નહીં હોય. એવું માનવામાં આવે છે કે આ નાના જૂથો પણ બળવાખોર સૂર અપનાવી શકે છે.
ભારતીયોને સહી સલામત ખસેડવા તંત્ર કામે વળગ્યું
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 10 ડિસેમ્બરની મોડી રાત્રે 75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ 75 લોકોમાંથી 44 જમ્મુ-કાશ્મીરના હતા. આ તમામ સઈદા ઝૈનબમાં ફસાઈ ગયા હતા. આ તમામ નાગરિકોને સુરક્ષિત રીતે લેબનોન પહોંચાડવામાં આવ્યા છે. દમાસ્કસ અને લેબનોનની રાજધાની બેરૂતમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. સીરિયામાં સ્થિતિ વણસી જતાં આ બંને દૂતાવાસોને સક્રિય રહેવા માટે કહેવામાં આવ્યું હતું.