ઇમરાન હાશ્મી સ્ટાર વ્હાય ચીટ ઇન્ડિયામાં કોટાનો થોડો ઘણો ચિતાર આપવાની કોશિશ થઈ છે. યુટ્યુબ પર હમણાં એક ડોક્યુમેન્ટરી ધ્યાનમાં આવી, જેનું નામ છે : વ્હાય કોટા કિલ્સ? ધ ક્વિન્ટ નામનાં અખબારની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલી ફક્ત સાડા નવ મિનિટની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ભલભલાના કાળજા કંપાવી દે એવી છે
માર્ચમાં પરીક્ષાઓ પૂરી થાય ત્યારબાદ ફરી વખત કોટાની કરામત શરૂ થશે. દેશભરના હજારો વિદ્યાર્થીઓ દેશની એક આઇઆઇટીના નામે પોતાનું જીવન અર્પી દેશે. કેટલાક સફળ થશે અને એના કરતાં ઘણા કોઈ તાણનો ભોગ પણ બને છે. થોડા સમય પહેલા સુરતમાં જે દુ:ખદ ઘટના બની એનાં માટે તંત્રથી શરૂ કરીને ટ્યુશન ક્લાસિસનાં સંચાલકો, માં-બાપ, શિક્ષકો સહિત સમગ્ર સમાજ સામે આંગળીઓ ચીંધવામાં આવી. તથ્ય તો એ પણ છે કે, આવું કહેનારા સંપૂર્ણપણે ખોટા તો નથી જ! પરંતુ સવાલ એ પણ થાય કે, ફક્ત ગુજરાતમાં જ સ્થિતિ ખરાબ છે કે પછી સમગ્ર ભારતની? ચિત્ર વિશાળ છે, વિકરાળ છે! ડોક્ટર કે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે તીર્થસ્થાન ગણાતું કોટા ભારતભરનાં કોચિંગ ક્લાસિસનું હબ ગણાય છે. રાજસ્થાનનાં કોટાની દરેક ગલી, ત્યાંનાં દરેક એપાર્ટમેન્ટ, એમાંના પ્રત્યેક ફ્લોર કોચિંગ ક્લાસિસથી ઉભરાઈ રહ્યા છે.
વળી, દરેકનો દાવો છે કે અમે વિદ્યાર્થીઓને આઇ.આઇ.ટી. કે એઇમ્સ સુધી પહોંચાડી શકીએ એવી ક્ષમતા ધરાવીએ છીએ. આજુબાજુ જ્યાં નજર ફેરવો ત્યાં ફક્ત મોટા-મોટા હોર્ડિંગ્સ અને આમથી તેમ ફરી રહેલા વિદ્યાર્થીઓ જ નજરે ચડશે! સ્વાભાવિક રીતે વિચાર એ આવે કે દિવસનાં સોળથી અઢાર કલાક વાંચતાની ધગશ ધરાવતાં આ યુવાનો જ્યારે સફળ નહીં થતાં હોય ત્યારે તેમની પ્રતિક્રિયા કેવી હશે? સત્તાવાર આંકડાઓ મુજબ, 2015માં આત્મહત્યા કરનારા યુવાનોની સંખ્યા 45 હતી. 2016માં આંકડો વધુ મોટો થયો. 2017 અને 2018માં તો એવી હાલત થઈ ગઈ કે ત્યાંના કોચિંગ ક્લાસિસના સંચાલકોએ મનોચિકિત્સકોને નોકરી પર રાખવા પડ્યા, જેથી જરૂર પડ્યે કોઇ પણ વિદ્યાર્થી આવું હિચકારી પગલું ભરતાં પહેલા વિચાર કરે!
કોચિંગ ક્લાસિસનાં આ આતંક વિશે લખવાનું એક કારણ એ પણ છે કે, એક સમયે આ લખનાર પોતે એનાં કાદવમાં ફસાતાં-ફસાતાં રહી ગયો હતો! બારમા ધોરણ પછી વિજ્ઞાન-પ્રવાહનાં મોટાભાગનાં વિદ્યાર્થીઓનાં મનમાં કોટા જઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનાં ખ્વાબ ક્યારેકને ક્યારેક તો આકાર લેતાં જ હોય છે. આજકાલ તો જાણે શાળા-કોલેજોથી વધારે મહત્વ ટ્યુશન ક્લાસિસને અપાઈ રહ્યું છે. કોચિંગ ઇન્સ્ટિટ્યુટ્સ ટ્રેન્ડ બનવા લાગી છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશનાં ખૂણેખૂણામાંથી કોટા આવેલા માતા-પિતા પોતાના બાળકને શ્રેષ્ઠ ભવિષ્ય અપાવવાનાં ચક્કરમાં સામાન્ય કરતાં દસ ગણી વધુ ટ્યુશન ફી સાથે પણ ત્યાં ભણાવવા માટે રાજી થઈ જાય છે! કારણ? હોર્ડિંગ્સ! વાસ્તવિકતા તો એ છે સાહેબ, એકબીજાની કટ્ટર કોમ્પિટિશન ગણાતાં આવા ટ્યુશન ક્લાસિસનાં વિદ્યાર્થીઓને ચોરવા માટે ત્યાંના સંચાલકો પણ ટાંપીને બેઠા હોય છે. અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં જતા ટોપર વિદ્યાર્થીને લાખો રૂપિયાની લાલચ આપીને પોતાની ઇન્સ્ટિટ્યુટમાં બોલાવી લેનારા સંચાલકોની અહીં કમી નથી. ટોપરનું નામ પોતાના કોચિંગ ઇન્સ્ટિટ્યુટનાં હોર્ડિંગ પર આવવું જોઇએ એ એકમાત્ર મહેચ્છા તેઓ ધરાવે છે! તેમને મન નીતિ-સિદ્ધાંતોનું મૂલ્ય નથી. યહાં સિર્ફ પૈસા બોલતા હૈ!
ઇમરાન હાશ્મી સ્ટારર વ્હાય ચીટ ઇન્ડિયામાં કોટાનો થોડો ઘણો ચિતાર આપવાની કોશિશ થઈ છે. યુટ્યુબ પર હમણાં એક ડોક્યુમેન્ટરી ધ્યાનમાં આવી, જેનું નામ છે : વ્હાય કોટા કિલ્સ? ધ ક્વિન્ટ નામનાં અખબારની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલી ફક્ત સાડા નવ મિનિટની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ભલભલાના કાળજા કંપાવી દે એવી છે. દેશમાં શિક્ષણવ્યવસ્થા કેટલી કથળી ગઈ છે એનો ચિતાર છે આ! જેના કારણોમાં સિંહફાળો બાળકના માતા-પિતાનો પણ છે. એન્જિનિયર અથવા ડોક્ટર ન બનવા માંગતા વિદ્યાર્થીઓ એક સમયે હતાશ થઈને આત્મહત્યા કરી લેવાનું વધુ મુનાસિબ માને છે, કારણકે તેમને ભરોસો બેસી ગયો છે કે એમના માતા-પિતા ક્યારેય એમને પોતાના મનગમતા ફિલ્ડમાં કરિયર બનાવવાની તક નહીં આપે. બીજું કારણ એ છે કે, વિદ્યાર્થીઓ એ વાતથી ડરે છે કે અગર પોતે આટલા મોંઘાભાવનાં કોચિંગ ક્લાસિસમાંથી ભણતર પ્રાપ્ત કર્યુ હોવા છતાં સારી કોલેજોમાં એડમિશન નહીં મળે તો એમના પેરેન્ટ્સ એમને ક્યારેય માફ નહીં કરી શકે! પહેલા પણ કહ્યું એમ, વિદ્યાર્થીઓમાં આજકાલ મૃત્યુ કરતા પણ વધુ ભય નિષ્ફળતાનો છે! ખરેખર તો માણસને ભીત્તરથી કંપારી છોડાવી દે એવી બાબત છે આ!
તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ 130થી વધુ કોચિંગ ઇન્સ્ટિટ્યુટ્સ ધરાવતાં કોટાનાં કોઇપણ ટ્યુશન ક્લાસિસ સંચાલકોએ પ્રવેશ મેળવવા માટે સ્ક્રિનિંગ પ્રોસેસ રાખી જ નથી! ભણવામાં નબળા બાળકોનાં માતા-પિતાને એમ કહીને ત્યાં છેતરવામાં આવે છે કે તમારા સંતાનને એક વર્ષ અહીં આપી જુઓ. અમે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવીશું. માં-બાપ બિચારા માની પણ લે છે! છેવટે તો સંચાલકોને પૈસાથી મતલબ છે. વિદ્યાર્થીના 365 દિવસ બગડે કે સુધરે એની અહીંયા કોને પડી છે? અમુક સંચાલકો તો ખુલ્લેઆમ સ્વીકારે છે કે અગર અમે આમ એડમિશન ન આપીએ તો ટ્યુશન ક્લાસનું અસ્તિત્વ જોખમાઈ જાય, અમારા પેટ પર લાત પડે!
વ્હાય કોટા કિલ્સ જોશો તો ખ્યાલ આવશે કે આ પ્રકારનાં કોચિંગ ક્લાસિસમાં નબળા અને હોંશિયાર વિદ્યાર્થીઓ વચ્ચે કેટલો ભેદ રાખવામાં આવે છે. નબળા વિદ્યાર્થીઓ માટે કોઇ ખાસ સુવિધાઓ નહીં, પરંતુ ભણવામાં હોંશિયાર વિદ્યાર્થીઓને રહેવા માટે અપાર્ટમેન્ટ, સ્કૂટી, સારું ભોજન, સાધનોથી સજ્જ લાઇબ્રેરી અને 24 કલાક ફેકલ્ટી મેમ્બર્સ સાથે સંપર્કમાં રહી શકવા જેવી સવલતો આપવામાં આવે છે! ઘણા માતા-પિતા તો આઠમા કે નવમા ધોરણથી જ પોતાના બાળકને કોટા મોકલી દે છે, જેથી આઇ.આઇ.ટી.-એઇમ્સમાં પહોંચવા માટે તેમને ત્રણ-ચાર વર્ષ તૈયારી કરવાનો મોકો મળે! ફેક સ્કૂલ ચલાવતાં કોચિંગ ક્લાસિસની ભરમાર પણ ઓછી નથી.
શાળા, ફક્ત નામ પૂરતી! બાકી, મૂળ તો ટ્યુશન ક્લાસમાં બધું શીખવાનું! નવોસવો વિદ્યાર્થી આ પ્રકારના વાતાવરણમાં મૂંઝાવા માંડે છે, પોતાની અંદર ચાલી રહેલી કશ્મકશ કોને કહેવી એ પ્રશ્નનો તેની પાસે જવાબ નથી, ધીરે ધીરે તે લઘુતા ગ્રંથિનો ભોગ બને છે. માર્ક્સની લ્હાયમાં એકબીજાથી આગળ નીકળી જવાનો સંઘર્ષ અને ઇર્ષા વિદ્યાર્થીને અંદરથી ખોખલો કરી નાંખે છે. પોતાના કરતા વધુ કલાક વાંચતા વિદ્યાર્થીઓને જોઇને તેને ડિપ્રેશન આવવા લાગે છે. દિવસમાં 16 કલાકનું વાંચન કરતા હોવા છતાં તેના ભણતર પર અસર થવા માંડે છે.આવા વિદ્યાર્થીઓનું અગર સમયસર કાઉન્સલિંગ ન કરવામાં આવે તો તેમના માટે નિષ્ફળતાનો ડર મૃત્યુ પર હાવી થઈ જાય છે અને તેઓ આત્મહત્યા કરતા પણ બિલ્કુલ નથી અચકાતાં!
વ્હાય કોટા કિલ્સના એક દ્રશ્યમાં ધ ક્વિન્ટની જર્નલિસ્ટ કોટામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને પૂછે છે કે, અગર સારી કોલેજમાં એડમિશન ન મળ્યું તો શું કરીશ? જવાબમાં પેલા યુવાન પાસે કહેવા જેવું કંઈ છે જ નહીં. તેણે ખબર જ નથી કે, અગર હું સફળ ન થયો તો આગળ શું કરીશ? તેના ચહેરા પરની મૂંઝવણ અને ભણતરનો થાક કોચિંગ ક્લાસિસની ખરી હકીકત બતાવવાનું કામ કરે છે. અલબત્ત, આ દ્રશ્ય ફક્ત કોટા પૂરતું જસીમિત નથી. સમગ્ર દેશમાં આ હાલ છે. શિક્ષણ વ્યવસ્થામાં જ્યાં સુધી મૂળથી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી શાળાની અવેજીમાં ધબકતાં આવા કોચિંગ ક્લાસિસનુ અસ્તિત્વ તો રહેવાનું જ!