- હરિસિદ્ધિ ફાઇનાન્સિયલ સર્વિસ ખાતે પહોંચી સીઆઈડીની ટીમ
- BZ ગ્રુપ બાદ અન્ય ત્રણ પોંઝી દુકાનના સંચાલકો સામે ગુનો દાખલ
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પોંઝી નો રાફડો ફાટી નિકળ્યો છે ત્યારે બે દિવસ પહેલા બીઝેડ પછી વધુ ત્રણ પોંઝી દુકાનના સંચાલકો સામે ગુનો દાખલ થયો હતો. જેમાંથી બે પોંઝી દુકાનોમાં CID એ તપાસ હાથ ધરી હતી.
રવિવારના દિવસે મોડી રાત્રે 8 વાગ્યાના અરસામાં CIDની ટીમ મોડાસાના મેઘરજ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં પોંઝી દુકાન હરિસિદ્ધિ ફાઇનાન્સિયલ સર્વિસ ખાતે સીઆઈડી પહોંચી હતી. દુકાનમાં વિવિધ જગ્યાએ પુરાવા શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી, જોકે પોલિસને શું હાથે લાગ્યું છે તે કહેવું મુશ્કેલ છે, જોકે મોડી રાત્રી સુધી આ સર્ચ ઓપરેશન અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બે દિવસ પહેલા એક સાથે ત્રણ પોંઝી દુકાનના કહેવાતા CEO પર CID એ ફરિયાદ દાખલ કરી હતી, ત્યારથી જ હરિસિદ્ધિના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બીઝેડ પર થયેલી કાર્યવાહી પછી થોડા સમય વિતી ગયો એટલે હરિસિદ્ધિના પાટિયા રાત્રીના સમયે ઉતારી લેવાયા હતા,
સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, આ સમય દરમિયાન દુકાન પણ ખાલી કરી દેવાઈ હતી, અને સામાન ક્યાંક લઈ જવાયો હતો. દુકાનમાંથી ખાલી કરેલ દસ્તાવેજો ભરીને સામાનને ક્યાં લઈ જવાયો છે તે પોલિસ તપાસમાં જ બહાર આવી શકે છે. હાલ તો CIDની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે.
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ