- બાઈક ચાલક સાથે ત્રણ લોકના મોત; એક સારવાર હેઠળ
- ભિલોડા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથધરી
અરવલ્લી: ભિલોડાના રીંટોડા ગાંભોઈ તરફ જવાના રોડ ઉપર ભટેરા ગામની સીમમાં શનિવાર સાંજે બાઇક પર પસાર થઈ રહેલા ચાર મિત્રોને અકસ્માત નડ્યો હતો. જેમાં અજાણ્યા વાહનની ટક્કરથી ગમખ્વાર સર્જાયેલા અકસ્માતમાં બે મિત્રોના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ બે મિત્રોને સારવાર અર્થે બહાર ખસેડાયા હતા. જ્યાં રસ્તામાં જ એકનું મોત નિપજ્યું હતું. ભટેરા ગામની સીમમાં ભયંકર અકસ્માત સર્જાતાં બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં એક જ ગામના ત્રણ યુવાનોનાં મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ભિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
ભટેરાના ચાર મિત્રો શનિવારે સાંજે રીંટોડાથી ગાભોઈ તરફ જતાં રોડ ઉપર બાઇક નંબર જીજે 01 પીઝેડ 0220 ઉપર પસાર થઈ રહ્યા હતા. આ ચારેય યુવાનો ભટેરા ગામ તરફ આવી રહ્યા હતા. દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાના વાહનને પૂરપાટ ઝડપે અને બે ફિકરાઇથી હંકારી લાવી બાઇકને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક વિજય ડામોર તથા બાઇક પાછળ બેઠેલ શંકર બરંડાના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા. અકસ્માતમાં શૈલેષ બરંડા અને કલ્પેશ અસારીને શરીરે ગંભીર ઇજા પહોંચતા બંનેને તાત્કાલિક 108 દ્વારા ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં વધુ સારવાર અર્થે બંનેને હિંમતનગર ખસેડાતાં રસ્તામાં જ શૈલેષ બરંડાનું મોત થયું હતું. જ્યારે કલ્પેશ અસારીને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો.
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ