- સમગ્ર મામલે સગીરની માતા, કાકા, કાકી, બહેન અને બનેવીએ મદદ કરી હોવાનું આવ્યું સામે
- પોલીસે ત્રણ મહિલા સહિત બે શખ્સોને જેલમાં મોકલ્યા
અરવલ્લીના ધનસુરા તાલુકામાંથી વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એકબાજુ બાળકોને સારી કેળવણી આપી શકાય અને સારો અભ્યાસ કરી શકે તે માટે માતા – પિતા દરેક પ્રયત્નો કરતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયાના દુષણે અનેક બાળકોના ભવિષ્ય જોખમમાં મુકાયા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. અરવલ્લીના ધનસુરા તાલુકામાંથી 31 ડિસેમ્બરેના રોજ ધોરણ 5માં ભણતી 10 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી.
અતિસંવેદનશીલ ગણાતા આ કેસમાં ધનસુરા પોલીસે સગીરાને ઘરે રાખવામાં મદદગારી કરનાર સગીરની માતા, કાકા,કાકી બહેન અને બનેવીને પકડી લીધા હતા. જેમાંથી ત્રણ મહિલાઓને હિંમતનગરની જેલમાં અને બે પુરુષ આરોપીઓને મોડાસા સબ જેલ હવાલે કર્યા હતા.
સગીરને અત્યારે મહેસાણા ઓબ્ઝવેશન હોમમાં રાખવામાં આવ્યો છે. તેને તા.10 શુક્રવારે મોડાસા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં મુક્ત વાતાવરણ વચ્ચે રજૂ કરાશે. જ્યાં સગીરનું ગૌરવ અને બાળ અધિકારોનું હનન ન થાય તેમજ કુદરતી ન્યાયિક સિદ્ધાંત પણ જોવામાં આવશે. ધનસુરા ઇન્સ્ટાગ્રામ પ્રેમ પ્રકરણમાં સગીર સામે અપહરણ, પોક્સોનો ગુનો અગાઉ નોંધાયો હતો. સગીરા સાથે સગીરે બે વાર દુષ્કર્મ આચર્યું હતું,સરપંચની મદદથી સગીરાને સગીરના ઘરેથી પોલીસે શોધી હતી. પોલીસે સગીરની માતા, બહેન, કાકીને હિંમતનગરની જેલમાં ધકેલ્યા છે. સગીરના કાકા અને તેના બનેવીને મોડાસાની સબ જેલમાં ધકેલ્યા હતા.
સગીરાની બહેન, માતા-પિતાના નિવેદન લેવાયાધનસુરા પોલીસે અતિસંવેદનશીલ કેસમાં મોબાઇલમાં આટલી નાની વયે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહેલી સગીરા અને તેની મોટી બહેન જે સગીર છે. આ બંને બહેનો કેટલા સમયથી મોબાઈલ વાપરતી હતી અને ઇન્સ્ટાગ્રામનો કેટલા સમયથી ઉપયોગ કરતી હતી તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં મોબાઇલમાંથી સાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યા હતા. જેમાંથી બે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્ટિવ હોવાનું બહાર આવ્યું હતું. ઘટનામાં સગીરાની મોટી બહેન અને તેની માતા-પિતાના પણ નિવેદનો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ