આગામી લોકસભાની ચૂંટણી આરપારની લડાઇ અને ધર્મયુધ્ધ છે દેશભક્તો અને દેશદ્રોહીઓને પારખવાનો અવસર હવે પાકી ગયો છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

હિંમતનગર ખાતે આયોજીત ભાજપાના વિશાળ વિજય સંકલ્પ સંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, આગામી લોકસભાની ચૂંટણીઓ એ આરપારની લડાઇ છે, એક ધર્મયુધ્ધ છે. દેશ કોના હાથમાં સલામત છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. આપણે તો દેશભક્તિના રંગમાં રંગાયેલા લોકો છીએ એટલે દેશભક્તો અને દેશદ્રોહીઓને પારખવાનો અવસર હવે પાકી ગયો છે ત્યારે ફરીથી અબકી બાર મોદી સરકારનો સંકલ્પને સાકાર કરવા સૌએ સંકલ્પબદ્ધ બનવું પડશે.

રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે છેલ્લા ૫૦ વર્ષથી દેશમાં રાજ કર્યું અને માત્ર ને માત્ર પરિવારવાદ જ ચલાવ્યો છે. ગાંધી પરિવાર સિવાય કોઇ અન્ય વ્યક્તિ વડાપ્રધાન બને તે ગમતું નહોતું. ચા વેચવાવાળો સામાન્ય માનવી વડાપ્રધાન બન્યો એ કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખૂંચે છે. કોંગ્રેસે છેલ્લા ઘણા વર્ષોમાં અનેક કૌભાંડો કર્યા જેમાં મીડાં ગણવામાં પણ તકલીફ પડે એટલી રકમો થકી હવા, પાતાળ, જમીન તમામ ક્ષેત્રોમાંથી આ જાદુગરોએ દેશને લુંટ્યો છે ત્યારે હવે સમય પાકી ગયો છે.

ભારતીય જનતા પાર્ટીનું સુત્ર છે કે, અયોધ્યામેં રામ, યુવાનો કો કામ, કિસાનો કો સહી દામ, હટાદો ભ્રષ્ટાચારી બદનામ સુત્રને સાર્થક કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીને ગજરાતના છવ્વીસે છવ્વીસ કમળ ખીલાવીને દિલ્હી મોકલીને પુન: નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન બનાવી સત્તાના સુત્રો સોંપીએ એ જ આપણી ફરજ છે.

રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, તાજેતરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલામા દેશના શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં શ્રી નરેન્દ્રભાઇએ કહ્યું હતું કે, જે આક્રોશ શહિદના પરિવારના હ્રદયમાં તથા દેશની જનતાના હ્રદયમાં છે તે જ આક્રોશ મારા હ્રદયમાં છે, ત્યારે એરસ્ટ્રાઇકથી બદલો લઇ આતંકવાદીઓનો સફાયો કર્યો ત્યારે કોંગ્રેસ બેબાકળી બની ગઇ છે અને પુરાવાઓ માગવા નીકળી છે, કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલવા લાગી છે.

આતંકવાદને સમર્થ આપવા નીકળેલા લોકો કાન ખોલીને સાંભળી લે કે, અમે તો કફન પહેરીને ફરનારા લોકો છીએ. આતંકવાદને નેસ્તનાબૂદ કરવો એ અમારી પ્રતિબદ્ધતા છે અને રહેશે. અયોધ્યામાં રામ મંદિર પણ અમે જ બનાવીશુ અને કાશ્મીરમાં ૩૭૦ની કલમ પણ અમે જ હટાવશું. તે માટે દ્રઢ રાજક્ય ઇચ્છા શક્તિ જોઇએ. તે ભાજપાના પ્રત્યેક કાર્યકરોમાં છે જ, એટલે કોંગ્રેસે અમને સલાહ આપવાની સહેજ પણ જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.