- ધાડ-લુટ કરનાર ગેગંનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી ટાઉન પોલીસ
- ગેગં દ્વારા ટાઉન વિસ્તારમાં રાત્રી દરમ્યાન ઘરમાં કરતી હતી લુંટ
- રૂ.3,21,000 ના મુદ્દામાલ સહીત 4 આરોપીઓની કરી ધરપકડ
અંજાર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં રાત્રી દરમ્યાન ઘરમાં થયેલ ધાડ-લુટના ગુન્હાને અંજામ આપનાર ગેગંનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી પાડયા હતા.
અંજારના સાંગ નદીના કાંઠે ઘરધણીને બંધક બનાવી છરીની અણીએ તેની માતા અને વેવાણે પહેરેલા રૂ.77 હજારના દાગીનાની લૂંટ કરીને ભાગી ગયેલા ચાર આરોપીઓને અંજાર પોલીસે પકડી લીધા હતા.
અંજાર PI એ.આર.ગોહિલે જણાવ્યું કે, મુળ સુરબાવાંઢ રાપરનો હાલે અંજારની સાંગ નદીના કાંઠે મીથીલા સોસાયટી નજીક પતરાવાળા મકાનમાં રહેતા હિતેષ કોલી તા.24/12 ના રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ઘરની બહાર સૂતા હતા અને તેમના માતા મીઠી અને વેવાણ જમુ અને તેમના ભાણેજ ઘરમાં સૂતા હતા. તેમજ તે દરમિયાન ગૃહ પ્રવેશ કરનાર અજાણ્યા ઇસમોએ તેમને બંધક બનાવી છરી અને ધારીયું બતાવી રૂ.77 હજારના દાગીના લૂંટ કરી ઇસમો ભાગી ગયા હતા. જેમાં બાતમીના આધારે વોચ ગોઠવી લૂંટ કરનાર મુળ આડેસરના હાલે મેઘપર બોરીચી રહેતા અલ્કેશ કોલી, મુળ રાપરનો હાલે મુન્દ્રા રહેતો રમેશ ઉર્ફે ગરીબ પરબતભાઇ કોલી અંજાર પાલિકા સામેના કોલીવાસમાં રહેતા વિજય ઉર્ફે બંટી નાગજી કોલી અને ભચાઉ રહેતા ખેતો ઉર્ફે ધર્મેશ કોલીને લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર અને રૂ.21,000 ની કિંમતના દાગીના સહિત રૂ.3,21,000 ના મુદ્દામાલ સાથે પકડી લૂંટના બનાવનો ભેદ ઉકેલી લીધો હતો. જો કે, આ ઘટનાને અંજામ આપનાર વિનોદ ઉર્ફે કાળો કોલી, હરેશ ઉર્ફે હરી કોલી, જીગર કોલી અને સુરેશ મોતી કોલીને હજી પકડવાના બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પકડાયેલા ચાર પૈકી રમેશ ઉર્ફે ગરીબ પરબત કોલી સામે પાલડી પોલીસ મથકે, મુન્દ્રા પોલીસ મથકે, વિજય ઉર્ફે બંટી વીરુધ્ધ ગાંધીધામ એ-ડિવિઝન તેમજ ખેતો ઉર્ફે ધર્મેશ સામે અમદાવાદના પાલડી પોલીસ મથકે ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ કામગીરી પ્રોબેશનરી IPS વિકાસ યાદવ સાથે ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન તળે અંજારના PI એ.આર. ગોહિલ, PSI જે.એસ. ચુડાસમા, બી.એસ. ચૌહાણ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.
અહેવાલ : ભારતી માખીજાણી