- અંજાર સહિત પૂર્વ કચ્છ જિલ્લાના જુદા-જુદા વિસ્તારમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા
- કચ્છ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ ૫ દિવસમાં 270 લાખની વીજચોરી પકડી
અંજારમાં વીજચોરીના સામાજિક દૂષણને ડામવા PGVCL અંજાર વર્તુળ કચેરી દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ PGVCLને નુકશાન પહોચાડતા વીજચોરો સામે વીજતંત્રે લાલ આંખ કરી છે. કચ્છ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ 5 દિવસમાં 270 લાખની વીજચોરી પકડી પાડી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક વગેરે મળીને કુલ 2140 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 246 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં અંદાજીત કુલ રૂ. 2.70 કરોડની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. PGVCLની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, છેલ્લાં કેટલાંક સમયથી કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા PGVCL અંજાર વર્તુળ કચેરી દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. PGVCLને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે લાલ આંખ કરી છે.
GUVNL કચેરીના આયોજન હેઠળ તથા GUVNL કચેરીના અધિકારીઓના તેમજ નિયમીત કચેરીના મુખ્ય ઈજનેર અને અંજાર વર્તુળ કચેરીના વિશેષ મુખ્ય ઈજનેર, વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ પૂર્વ કચ્છના ચારેય તાલુકા અંજાર,ગાંધીધામ,ભચાઉ અને રાપરના અનેક વિસ્તારોમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવ્યા છે. ગત સપ્તાહમાં તા. 09 થી 13 સુધી આ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લાની અંજાર, ગાંધીધામ અને ભચાઉ વિભાગીય કચેરી હેઠળની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, જીયુવીએનએલ પોલીસ અને એસ.આર.પી. સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૫૬ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.
આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક વગેરે મળીને કુલ 2140 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 246 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં અંદાજીત કુલ રૂ. 2.70 કરોડની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. જેમાં અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ શહેરના વિવિધ વિસ્તારો તેમજ કોટડા, લાખાપર, પશુડા, વરસામેડી, ભુવડ, વીડી, ગળપાદર, ખારીરોહર, વંડી, તુણા, કડોલ, સામખીયારી, સણવા, મોડા, આડેસર ગામોમાં સૌથી વધુ વીજચોરી પકડવામાં આવેલ. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ આજરોજ જણાવ્યું છે. PGVCL ની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અહેવાલ: ભારતી માખીજાણી