- 11 બેરલમાં રાખેલો રૂ.56 હજારના દેશી દારૂ સહીત 1 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે
- 3 આરોપીઓ ઝડપાયા, 2 ફરાર
અંજાર તાલુકાના વિડી ગામે ગત રાત્રે ગાંધીનગરની એસએમસીની ટીમેં ત્રાટકીને દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડ્યો હતો, જેમાં રૂ.56 હજારના દેશી દારૂના જથ્થા સાથે દારૂ બનાવવા માટે વપરાતો આથો અને અખાદ્ય ગોળના જથ્થા સહિત કુલ રૂ.1 લાખ 89 હજાર 206નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારોડામાં દારૂ બનાવતા બે મજૂર અને દારૂના કાચા માલની હેરફેર માટે રખાયેલી રિક્ષાના ચાલક સહિત ત્રણ આરોપીની અટક કરી હતી. દારોડમાં બે વ્યક્તિ ફરાર થઇ ગયા હતા. એસ એમ સીની ટીમે પકડાયેલા આરોપી અને મુદ્દામાલ ને અંજાર પોલીસ મથકના હવાલે કર્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે રાતે ગાંધીનગરની એસ એમ સી પીઆઈ જીઆર રબારી અને તેમની ટીમે બાતમીના આધારે અંજાર તાલુકાના વિડી ગામે રેડ પાડી હતી. રેડ દરમિયાન ટીમે રૂ. 56 હજારનો દેશી દારૂ, રૂ.55 હજારનો આથો અને રૂ 6006ની કિંમતના અખાદ્ય ગોળના જથ્થા સાથે રૂ.2200ની કિંમતના 11 બેરલ , રૂ 60 હજારની રીક્ષા અને રૂ.10 હજારના બે મોબાઈલ સહિત કુલ રૂ.1 લાખ 89 હજાર 206નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ દારોડામાં દારૂ બનાવનાર મજૂર શેખ સલીમ જુમ્મા, અમરસી ઉર્ફે અપલો નારાયણ પારાધી અને રીક્ષા ચાલક ઇકબાલ જાણમામદ શેખને પકડી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી કાસમ શેખ અને અખાદ્ય ગોળ આપનાર સુરેશ સોરઠીયા નામના ઈસમો ફરાર થઇ ગયા હતા. પકડાયેલા ઇસમોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યા છે.
અહેવાલ: ભારતી માખીજાણી