ગાંધીધામના ગણેશનગરમાં દરોડો પાડી પોલીસે 2.42 લાખની કિંમતનો વિદેશી શરાબ-બિયરનો જથ્થો ઝડપી પાડી ભુજના સુખપર ગામના એક શખ્સની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન બે આરોપી પોલીસને થાપ આપી નાસી છૂટ્યાં હતા.
અંજાર ડીવાયએસપી કચેરીનો સ્ટાફ ગત સાંજે પેટ્રોલીંગમાં હતો ત્યારે ગાંધીધામના સેક્ટર નંબર 6, ગણેશનગરમાં રહેતાં ગોવિંદ ડાહ્યાભાઈ ચંદેના મકાનમાંથી અમુક લોકો તૂફાન જીપમાં વિદેશી શરાબનો જથ્થો ભરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેથી પીએસઆઈ એમ.એમ.વાઢેર અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
સ્થળ પર ત્રણ આરોપીઓ મકાનમાં રખાયેલાં શરાબની પેટીઓ તૂફાન જીપ (જીજે 12 એક્સ 4224)માં ભરતા હતા. પોલીસે દરોડો એક જણાને ઝડપી પાડ્યો હતો. જો કે, બે શખ્સો અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. ઝડપાયેલા શખ્સનું નામ મિતરાજસિંહ પચાણસિંહ સોઢા (ઉ.વ.22, રહે. સુખપર જૂનો વાસ, વૃંદાવનનગર, ભુજ. મૂળ રહે. પૈયા, તાલુકો-ભુજ) છે. પોલીસે મકાનના આંગણામાં પડેલી અને તૂફાન જીપમાં રખાયેલાં 2.42 લાખના દારૂના જથ્થાને જપ્ત કર્યો છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કીની 2.18.400 રૂપિયાની કિંમતની કુલ 52 પેટી (બોટલ નંગ 624) અને 24000 રૂપિયાની કિંમતની બિયરની 10 પેટી (કુલ ટીન નંગ 240) મળી કુલ 2.42.400 રૂપિયાનો શરાબ, 4 લાખની જીપ, 5500ની કિંમતના બે મોબાઈલ ફોન વગેરે મળી કુલ 6.47.900 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડા દરમિયાન ભુજની લોટસ કોલોનીમાં રહેતો ઈબ્રાહિમ હાસમ અને એક અજાણ્યો શખ્સ નાસી છૂટ્યાં હતા. ગણેશનગરમાં જેના રહેણાંક મકાનમાંથી શરાબ જપ્ત કરાયો છે તે મકાન ગોવિંદ ઊર્ફે ગવલો ડાહ્યાભાઈ ચંદે નામના શખ્સના કબજા-ભોગવટાનું છે. જો કે, દરોડા સમયે તે મકાન પર હાજર નહોતો. આ અંગે અંજાર ડીવાયએસપી કચેરીના પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ચારેય આરોપી સામે પ્રોહિબિશનની ધારાઓ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે